ગઢડા તાલુકાના ભંડારિયા અને ધંધુકાના નાની ચોકમાં રહેતા બે શખ્સને ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીને આપેલા ચેક પરત ફરવાના કેસમાં એક-એક વર્ષ કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમનો દંડ ભરવા હુકમ કર્યો છે.
પ્રથમ કેસની મળતી વિગત અનુસાર ગઢડાના ભંડારિયા ગામે રહેતો પ્રતાપ વજુભાઈ ખેર નામના શખ્સે બોટાદમાં આવેલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લિ.માંથી વાહન ઉપર લોન લીધા બાદ તેની રકમ નિયમિત ભરપાઈ કરી ન હતી. બાકીની રકમની ઉઘરાણી કરવામાં આવતા શખ્સે રૂા.૨,૪૮,૪૭૯ અને રૂા.૬,૦૦,૦૦૦ના બે ચેક કંપનીને આપ્યા હતા. જે ચેક રિટર્ન થતાં આ અંગે બોટાદના ત્રીજા એડીશનલ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જે અંગેની સુનવણી થતાં ફરિયાદી પક્ષના વકીલ હિતેષ એમ. કુકડિયાની દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એચ.એચ.પટેલે ચેક રિટર્ન કેસમાં પ્રતાપ ખેરને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા, ચેકની રકમથી દોઢી રકમનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.
જ્યારે બીજા કેસની મળતી વિગત અનુસાર ધંધુકાના નાની ચોકમાં રહેતો ગોપાલ અલાભાઈ ગમારાએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લિ.માંથી વાહન ઉપર લીધેલી લોન પેટે રૂા.૨૨,૭૯,૬૫૮નો ચેક આપતા તે ચેક બાઉન્સ થયો હતો. જે અંગેની ફરિયાદ બોટાદના ત્રીજા એડી. જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવતા ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીના વકીલ હિતેષ એમ. કુકડિયાએ કરેલી દલીલો, કોર્ટ સમક્ષ રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેન ધ્યાને લઈ ન્યાયધીશ એચ.એચ. પટેલે ગોપાલ ગમારા નામના શખ્સને એક વર્ષ સાદી કેદની સજા, ચેકની રકમથી દોઢી રકમનો દંડ તેમજ દંડ ભરવામાં કસુરવાન ઠરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.