અલ્હાબાદ હાઈકોર્ટે યુપીની યોગી આદિત્યનાથ સરકારને મોટી રાહત આપી છે. મહાકુંભ નાસભાગની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજી યોગેન્દ્ર પાંડે અને અન્ય લોકો દ્વારા જાહેર હિતમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મહાકુંભ દરમિયાન નાસભાગની ઘટનાઓની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીની બેન્ચે આ અરજીને ગેરવાજબી અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી અને અરજીમાં કોઈ નક્કર કારણ કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આ મામલો 11 માર્ચ 2025ના રોજ સુનાવણી માટે આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેના પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે 17 માર્ચે કોર્ટે અંતિમ આદેશ આપ્યો હતો, જેમાં અરજી ફગાવી દેવામાં આવી હતી. મહાકુંભ મેળા 2025 દરમિયાન, મૌની અમાસ નિમિત્તે શાહી સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા શ્રદ્ધાળુઓ કચડાઈને મૃત્યુ પામ્યા હતા.
અલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ દાખલ PIL માં જણાવ્યું હતું કે, 144 વર્ષ બાદ મહાકુંભ પર્વ અત્યંત ખાસ હોવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી હતી. જેના લીધે 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી સ્નાન કરવા આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ મેળા પ્રશાસનની બેદરકારીના કારણે નાસભાગની ઘટના ઘટી. ઘણા લોકો મૃત્યુ પામ્યા. મેળામાં સ્નાન માટે લોકોને 20થી 30 કિમી પગપાળા ચાલીને આવવુ પડ્યું. ગંગાનું પાણી પણ પ્રદુષિત થયું.