આણંદઃ પેટલાદ તાલુકાના દંતાલી ગામના ખેડૂત મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનો વીમો ધરાવતા હતા. તેઓને દિલ્હીની ઠગ ટોળકીએ મોબાઇલ ફોન કરીને જણાવ્યું હતું કે તમારી પોલિસીને ડિકલેન કરી દેવાઈ છે. જો બીજે રોકાણ કરશો તો તમને ઉચ્ચુ અને સારું વળતર મળશે. તેવી લોભામણી લાલચ આપીને અન્ય કંપનીમાં રોકાણ કરવાના નામે 3 વર્ષમાં રૂા. 34.75 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરી છે. જે અંગે પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
દંતાલી ગામના અને ખેતી કામ કરીને ગુજરાન ચલાવતાં જયંતિભાઇ શનાભાઇ પટેલે વર્ષ 2000માં પેટલાદ ખાતે કાર્યરત મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી વીમા પોલિસી લીધી હતી. 20 વર્ષની મુદત માટેની આ પોલિસીમાં તેઓ દર 6 મહિને 5025નો હપ્તો ભરતા હતા. 2012માં પેટલાદની ઓફિસ બંધ થતા તેઓ આણંદ ખાતેની ઓફિસમાં જઇને હપ્તો ભરતાં હતા. 2015માં તેમના પુત્ર લગ્ન હોય પૈસાની જરૂરત પડતાં તેઓ આણંદ-વિદ્યાનગર રોડ આવેલી ઓફિસ ગયા હતા. જ્યાં કંપની બંધ થઇ ગયાની અફવાના પગલે મોટી ભીડ જામી હતી. જ્યાં એક વ્યકિતએ અનુપ અગ્રવાલનો મોબાઇલ નંબર આપ્યો હતો. જેથી જયંતિભાઇએ તેમને ફોન કરીને પોતાની પોલિસી ડીકલેન કરવાની વાત કરી હતી.
અનુપ અગ્રવાલે તેમની બધી વિગતો મંગાવતા તેમણે વોટસએપ દ્વારા મોકલી આપી હતી. થોડા દિવસો બાદ ફરીથી ફોન કરતાં અનુપ અગ્રવાલે તમારી પોલિસી ડીકલેન કરી દેવાઈ છે. પરંતુ જો બીજી કંપનીમાં રોકાણ કરશો તો તમને સારુ વડતર મળશે. તેવી લાલચ આપી હતી. જયંતિભાઇ લાલચમાં આવીને પહેલા 50500 તથા ત્યારબાદ 80500 અનુપે સુચવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી દિલ્હીથી નેહા શર્મા નામની યુવતીનો ફોન આવ્યો હતો. તેણે અનુપ અગ્રવાલનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. તે કેસ હેન્ડલિંગ કરી રહી હોવાનું જણાવીને બીજા પૈસા મંગાવ્યા હતા. જેથી જયંતિભાઇ થોડે થોડે કરીને કુલ 8 લાખ મોકલ્યા હતા.
2016માં પૈસાની જરૂરત પડતાં તેમણે નેહા શર્માને ફોન કર્યો હતો. જેણે અમીત મીશ્રાનો નંબર આપીને તેમની સાથે વાત કરવાનું કહેતા જ તેઓ તથા સુગંધા, સુમીતકુમાર, વિક્રમસિંહ તમામ રહે દિલ્હીનાઓએ જીએસટી, ડીપોઝીટ તથા કોઇના કોઇ બહાના હેઠળ નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જંયતિભાઇએ કુલ 30.80 લાખ ઉપરાંતની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. વીમા પોલીસી સાથે તેમને 70 લાખની રકમ લેવાની નીકળતી હતી. પરંતુ તે નહીં આપીને તમામ શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.