PGVCLની વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવા ધોરાજીના યુવાને મુખ્યમંત્રીને લોહીથી પત્ર લખ્યો

0
34

રાજકોટ: પશ્ચિમ ગુજરાત વીજકંપનીના ભરતી કૌભાંડનો વિવાદનો વંટોળ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ભરતી પ્રક્રિયાથી અસંતુષ્ટ ઉમેદવારો અને વિદ્યાર્થી સંગઠનોએ વીજકંપનીને અનેક વખત લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી કૌભાંડી અધિકારીઓને છાવરતી પીજીવીસીએલ વિરુદ્ધ હવે ધોરાજીના યુવાને પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. અંદાજિત સવા સો શબ્દોમાં લોહીથી લખેલી રજૂઆતમાં ધોરાજીના સંકેત મકવાણાએ જણાવ્યું છે કે, 25 ફેબ્રુઆરી 2018ના રોજ લેવાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષામાં વીજ અધિકારીઓએ ગેરરીતિ કરી મેરિટમાં ચેડાં કર્યા છે અને લાગતા વળગતા ઉમેદવારને ફાઈનલ ઓર્ડર પણ કરી દેવાયો છે. જેનાથી અન્ય ઉમેદવારોને અન્યાય થયો છે. આથી આ ભરતી પ્રક્રીયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને દોષિતોને સજા કરવામાં આવે તેવી માગણી સાથે પત્ર મળતાની સાથે જ તુરંત કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષાનું અનેક વખત પરિણામ જાહેર કરી તેમાં ચેડાં કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ ઉમેદવારોએ કર્યા છે. ખરેખર લેખિત અને પોલ ટેસ્ટની પરીક્ષા લેવાયા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવે છે અને તેમાં કોઈ ઉમેદવારને વાંધા હોય તો અઠવાડિયામાં રજૂઆત કરવાની હોય છે, પરંતુ વીજકંપની દ્વારા 10 મહિના સુધી પરિણામમાં સુધારા-વધારા ચાલુ રાખ્યા હતા એને પોતાના ઉમેદવારના માર્ક બે-બે વખત સુધારી ઓર્ડર લિસ્ટમાં અલગથી 207-A દર્શાવી જામનગર નોકરીનો ઓર્ડર પણ આપી દેવાયો હતો જેની બાકીના ઉમેદવારોને જાણ સુધ્ધા પણ થવા દીધી ન હતી. આ મામલે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમને ત્રણ-ત્રણ કલાક બેસાડી અંતે તગેડી મુક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here