વડોદરા : સંજયનગરના વિસ્થાપિતોના ધરણાં, બાકી ભાડું અને વહેલી તકે આવાસો ફાળવવામાં આવે તેવી કરી માંગ

0
4

વારસિયા સંજયનગરના વિસ્થાપીતોએ ચાલી રહેલી સંજયનગરની સાઈટ પર ધરણાં પ્રદર્શન કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. શહેરના વારસિયા સંજયનગરના વિસ્થાપીતો સંજયનગરની ચાલી રહેલી સાઈટ પર પહોંચ્યા હતા. અને છેલ્લા 6 માસથી બાકી ભાડું આપવા માંગ કરી હતી. સાથે જ વહેલી તકે આવાસો ફાળવવામાં આવે તે માટે સાઈટ પરિસરમાં ધરણાં કર્યા હતા.

બહોળી સંખ્યામાં વિસ્થાપીતોએ એકત્ર થઈ ધરણાં કરતાં વારસિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સિદ્ધાર્થરાજા આનંદ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વિસ્થાપીતોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ,જ્યાં સુધી પાલિકા અથવાતો બિલ્ડર તરફથી લેખિતમાં ભાડા અંગે બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે હોવાનું વિસ્થાપીતો એ જણાવ્યું હતું.

અત્રે,ઉલ્લેખનીય છે કે, સંજયનગર આવસો તંત્ર દ્વારા તોડી પડાયા બાદ તેજ જગ્યાએ નવા આવસો બનાવી વિસ્થાપીતોને ફાળવવામાં આવશે અને જ્યાં સુધી આવસો ફાળવવામાં ના આવે ત્યાં સુધી ભાડું આપવામાં આવશે હોવાની બાંહેધરી સંજયનગરના રહીશોને આપવામાં આવી હતી. આજે એ વાતને ત્રણ-ત્રણ વર્ષ વીતી ગયા તેમ છતાં આવસો ફાળવવામાં આવ્યા નથી ઉપરાંત લોકોને ભાડું ચુકવવામાં આવ્યું નથી.

આ અંગે જાડી ચામડીના લાગતા વળગતા તમામ મહાનુભાવોને લેખિત મૌખિક,અને વિરોધાત્મક કાર્યક્રમો યોજી રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં સંજયનગરના વિસ્થાપીતોની રજુઆત ને ધ્યાને નહીં લેવાતાં આજે સ્થાનિક અગ્રણી સીમાબેન રાઠોડની આગેવાનીમાં સંજયનગરના વિસ્થાપીતોએ સાઈટ પરિસરમાં ધરણાં યોજી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.