શ્રાદ્ધ : નર્મદા નદીમાં પૂરના પાણી ઓસરતા ચાણોદમાં પિતૃ તર્પણ અને પિંડાદાન વિધિ શરૂ, પહેલા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

0
0

નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી ઓસરતા હવે ચાણોદમાં પિતૃ તર્પણ અને પિંડાદાન વિધિ આજથી શરૂ થઇ છે. જેથી પહેલા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને પિતૃ તર્પણ અને પિંડાદાનની વિધિ કરી હતી.

ચાણોદ સહિત કાંઠા કિનારાના ગામોમાં જનજીવન પૂર્વવત થયું

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવેલા અંદાજીત 11 લાખ ક્યૂસેક પાણીના પરિણામે નર્મદા કિનારાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદ સહિત આસપાસના કાંઠાના ગામોમાં નર્મદા નદીના પાણી પ્રવેશી જતા પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જે સ્થિતિ સતત 3 દિવસ સુધી યથાવત રહી હતી, પરંતુ, ડેમમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહમાં ઘટાડો કરાતા મંગળવારની મોડીરાતથી પાણી ઓસરવા લાગ્યા હતા. જે પૂરના પાણી બુધવાર સવાર સુધીમાં સંપૂર્ણ રીતે ઓસરી જતા તીર્થક્ષેત્ર ચાણોદ સહિત કાંઠા કિનારાના ગામોમાં જનજીવન પૂર્વવત થયું હતું.

શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, પિતૃ તર્પણ અને પિંડદાન માટે ચાણોદમાં આવે છે

2 સપ્ટેમ્બરને બુધવારથી 16 દિવસીય શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો છે, ત્યારે પૂરના પાણી ઓસરી જવાથી ચાંણોદ ખાતે શ્રદ્ધાળુઓની ચહલ પહલ શરૂ થઇ છે. ચાંદોદ એ ગુજરાતનું કાશી કહેવાય છે, જેથી દેશભરમાંથી સેંકડો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, દેવ દર્શન, પિતૃ તર્પણ અને પિંડદાન માટે અહીં પધારતા રહે છે. હવે જ્યારે નર્મદા નદીના પૂરના પાણી સંપૂર્ણપણે ઓસરી ચૂક્યા છે, ત્યારે વિધિવિધાન-હોડી વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઇ જતા ચાણોદમાં આવવા ઇચ્છતા યાત્રાળુઓ પર્યટકો સહિત શ્રદ્ધાળુઓ નિશ્ચિતપણે ચાણોદ તીર્થની મુલાકાત લઇ શકશે.

ચાણોદ ખાતે વિધિ શરૂ થતાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા
(ચાણોદ ખાતે વિધિ શરૂ થતાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા)

 

પૂરના પાણી ઓસરી જતા હવે વિધિઓ શરૂ થઇ ગઇ છે

ચાણોદના કર્મકાંડી બ્રાહ્મણ હર્ષ પંડ્યાએ જણાવ્યું હતું કે, શ્રાદ્ધના દિવસોમાં શ્રદ્ધાળુઓ વિધિ ચાણોદ આવે છે, તેમના માટે સારા સમાચાર છે કે, પૂરના પાણી ઓસરી જતા હવે વિધિઓ શરૂ થઇ ગઇ છે. જેથી નિશ્ચિતપણે ભક્તો ચાણોદ આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here