નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલિસ્તાન લોકસભા બેઠક જાહેર કરવાની માગ અંગે કરાયેલી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં પૂર્વ રો અધિકારી રામ કુમાર યાદવે કહ્યું હતું કે, આ માટે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે.
પાકિસ્તાને પીઓકે-ગિલગિટને 24 વિધાનસભા બેઠકોમાં વહેચ્યા છેઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બેચે રામ કુમાર યાદવની અરજી રદ કરી તેમને પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ તેમની માગને કાયદાકીય રીતે અસ્વીકાર્ય ગણાવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પીઓકે અને ગિલગિટ ભારતનો ભાગ છે. જેની પર પાકિસ્તાને હક જમાવી લીધો છે. પાકિસ્તાને આ વિસ્તારમાં 24 વિધાનસભા બેઠકો બનાવી છે. જેને ધ્યાનમાં રાખી ભારત સરકારે પીઓકે અને ગિલગિટને લોકસભા બેઠક બનાવવાના આદેશ આપવા જોઈએ.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમારી હદ ગિલગિટ સુધી છેઃ જાન્યુઆરીમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમારા વિસ્તારની હદ ગિલગિટ અને બાલિસ્તાન સુધી છે. ત્યાંના લોકોને પણ બંધારણ પ્રમાણે માનવાધિકાર આપવામાં આવશે.
કોર્ટની ટિપ્પણી પર ભારતે વિરોધ કર્યો હતોઃ આ અંગે ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનરને કહ્યું હતું કે, તેમની સુપ્રીમ કોર્ટ ભારતના વિસ્તારોમાં પણ હસ્તક્ષેપ કરી રહી છે. સાથે જ ગેરકાયદેસર રીતે ભારતના વિસ્તારો પર પોતાનો હક ન કરો.