પેન્શન સ્કીમ : PM શ્રમયોગી માનધન યોજના અને અટલ પેન્શન યોજના તમારા વૃદ્ધાવસ્થાનો સહારો બનશે, તેમાં રોકાણ કરીને તમે પેન્શનની વ્યવસ્થા કરી શકો છો

0
4

ઘણા લોકો તેમના રિટાયરમેન્ટને અંગે ચિંતામાં રહેતા હોય છે કે, તેઓ વૃદ્ધાવસ્થામાં પોતાના માટે આવકની વ્યવસ્થા કેવી રીતે કરશે. આવી સ્થિતિમાં તમે પેન્શન પ્લાન લઈને વૃદ્ધાવસ્થામાં આર્થિક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જો તમે હજી સુધી કોઈ પેન્શન પ્લાન નથી લીધો તો તમારા માટે કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના યોગ્ય રહેશે. જાણો આ બંને યોજનાઓ વિશે, જેથી તમે તમારા હિસાબથી યોજનાનો લાભ ઉઠાવી શકો.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના​​​​​​​

શું છે આ યોજના?

આ યોજના અંતર્ગત અસંગઠિત શ્રમિકોને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન આપવામાં આવે છે. યોજના અંતર્ગત જેટલું કોન્ટ્રીબ્યુશન દર મહિને લાભાર્થી કરે છે, એટલું જ યોગદાન સરકાર તેમાં કરે છે. એટલે કે તમારું કોન્ટ્રીબ્યુશન 100 રૂપિયા છે તો સરકાર તેમાં 100 રૂપિયા ઉમેરશે. જો તમારી ઉંમર 18 વર્ષની છે તો દર મહિને માત્ર 55 રૂપિયાનું રોકાણ કરીને તમે તમારા માટે 3 હજાર રૂપિયાના પેન્શનની વ્યવસ્થા કરી શકો છો.

આ યોજના અંતર્ગત કોને પેન્શન મળશે?

આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે છે. તેમાં તેમાં ઘરગથ્થું કામ કરનાર, ડ્રાઇવર, પ્લમ્બર, દરજી, મિડ ડે મીલવર્કર, રિક્ષા ચાલકો, નિર્માણ કામ કરનાર મજૂરો, સફાઈ કામદારો, મોચી, ધોબી સહિતના અનેક કામદારોનો સમાવેશ થાય છે.

શું છે નિયમ?

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની માસિક આવક 15 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. સેવિંગ બેંક અકાઉન્ટ અથવા જન-ધન અકાઉન્ટનો પાસપોર્ટ અને આધાર નંબર હોવો અનિવાર્ય છે. શ્રમિકની ઉંમર 18થી ઓછી અને 40થી વધારે ન હોવી જોઈએ. તેમજ કોઈ અન્ય સરકારી પેન્શન સ્કીમનો લાભ લેતા હશો તો આ સ્કીમનો લાભ નહીં મળે.

શું છે શરતો?

  • જો તમે તમારા હિસ્સાનું યોગદાન (હપ્તા) રકમ જમા કરાવવાનું ચૂકી જાય તો, સભ્યને વ્યાજની સાથે બાકીની રકમ ચૂકવણી કરીને કોન્ટ્રીબ્યુશને નિયમિત કરવાની મંજૂરી આપવામાં આવશે. આ વ્યાજ સરકાર નક્કી કરશે.
  • યોજનામાં જોડાયાની તારીખથી 10 વર્ષની અંદર પૈસા ઉપાડવા માંગે છે તો, માત્ર તેના હિસ્સાનું યોગદાન સેવિંગ બેંકના વ્યાજ દરે પાછું આપવામાં આવશે.
  • યોજનાનો લાભ લેનાર 10 વર્ષ પછી અને 60 વર્ષ પહેલાં અકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે તો, પેન્શન સ્કીમમાં કમાણી કરેલા વાસ્તવિક વ્યાજની સાથે તેના હિસ્સાનું યોગદાન પાછું આપવામાં આવશે.
  • જો કોઈ કારણોસર સભ્યનું મૃત્યુ થઈ જાય છે તો જીવનસાથીની પાસે સ્કીમને ચાલુ રાખવાનો ઓપ્શન હશે. તેના માટે તેને નિયમિત યોગદાન કરવું પડશે.
  • તે ઉપરાંત જો આ યોજના અંતર્ગત પેન્શન લેનારનું 60 વર્ષ બાદ મૃત્યુ થઈ જાય છે તો તેના નોમિનીને 50 ટકા પેન્શન મળશે.
  • 60 વર્ષની ઉંમર પહેલાં અસ્થાયીરૂપે વિકલાંગ થવાના કિસ્સામાં યોગદાન કરવામાં સમર્થ છે તો તેની પાસે સ્કીમના વાસ્તવિક વ્યાજની સાથે પોતાના હિસ્સાનું યોગદાન લઈને સ્કીમમાંથી બહાર નીકળવાનો ઓપ્શન હશે.

અટલ પેન્શન યોજના

શું છે આ યોજના?

તેના અંતર્ગત 60 વર્ષની વય થવા પર દર મહિને 1000થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સ્કીમ લે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડશે. સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

કેવી રીતે કોન્ટ્રીબ્યુશન નક્કી કરવામાં આવશે?

તમે રિટાયરમેન્ટ બાદ કેટલું પેન્શન ઈચ્છો છો તેનો આધાર તમે કેટલી અમાઉન્ટ કટ કરાવો છો તેના પર આધાર રહેશે. 1થી 5 હજાર રૂપિયા સુધી પેન્શન લેવા માટે સબ્સ્ક્રાઈબરને દર મહિને 42 થી 210 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 18 વર્ષની ઉંમરે તમે આ યોજના લો છો ત્યારે આવું થશે. બીજી તરફ, જો કોઈ સબ્સ્ક્રાઈબર 40 વર્ષની ઉંમરમાં સ્કીમ લે છે તો તેને દર મહિને 291 રૂપિયાથી લઈને 1454 રૂપિયા સુધીનું મંથલી કોન્ટ્રીબ્યુશન આપવું પડશે. સબ્સ્ક્રાઈબર જેટલું કોન્ટ્રીબ્યુશન કરશે, તેને રિટાયરમેન્ટ બાદ એટલું જ પેન્શન મળશે. તેમાં તમને સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સ બેનિફિટનો ક્લેમ કરી શકશો.​​​​​​​

કેવી રીતે કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે?

આ યોજના અંતર્ગત ઈન્વેસ્ટર્સ મંથલી, ત્રિમાસિક અથવા સેમી-એન્યુઅલ એટલે કે અર્ધ-વાર્ષિક સમયગાળામાં રોકાણ કરી શકાય છે. કોન્ટ્રીબ્યુશન ઓટો-ડેબિટ થઈ જશે. એટલે કે, તમારા અકાઉન્ટમાંથી નિયત રકમ આપમેળે કટ થઈ જશે અને તમારા પેન્શન ખાતામાં જમા થઈ જશે.​​​​​​​

કેવી રીતે લઈ શકો છો યોજનાનો લાભ?

આ બંને યોજનાનો લાભ તમે કોઈપણ બેંકમાં જઈને લઈ શકો છો. જો તમારું અકાઉન્ટ SBI બેંકમાં છે તો તમે નેટ બેંકિંગથી અટલ યોજનાનો લાભ લઈ શકો છો.