ગાંધીનગર : સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની જાહેરાત PM મોદી 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમથી કરશે

0
27

ગાંધીનગરઃ ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ગાંધી આશ્રમથી 2 ઓક્ટોબરે કરે તેવી શક્યતા છે. જાહેરાતના પૂર્વ આયોજન રૂપે મોદીએ કેવડિયાથી પરત આવી રાજભવનમાં મેરાથોન મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘ પણ હાજર હતા. સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના અમલ અંગે વડાપ્રધાને ખૂબ લાંબી છણાવટ કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે જણાવ્યું કે ગુજરાત સરકાર દૃઢતાપૂર્વક સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવો જોઇએ તેમ માને છે, પરંતુ તેના અમલીકરણ અંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી માર્ગદર્શિકા આવે તેવી અમને અપેક્ષા છે.

સાબરમતી આશ્રમમાં ગાંધીજીનો જન્મદિવસ ઉજવાશે
આ તરફ વડાપ્રધાન સાથે અલગથી પ્લાસ્ટિકની બનાવટોના ઉત્પાદનના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ મુલાકાત કરી હતી. પ્રતિબંધને કારણે તેમના ઉદ્યોગ અને રોજગારી પર પડનારી અસર બાબતે તેમણે વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. જો કે મુખ્ય સચિવે આવી કોઇ મિટિંગ ન થઇ હોવાનું જણાવ્યું હતું. આ જાહેરાત ગાંધી જયંતિએ સાબરમતી આશ્રમમાં યોજાનારા ગાંધીજીના 150મા જન્મવર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં થઇ શકે છે. આ ઉજવણીને લઇને વડાપ્રધાને મુખ્યમંત્રી, મુખ્યસચિવ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર, મ્યુનિ. કમિશનર અને અન્ય સાથે ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

રિવરફ્રન્ટ પર બોટિંગમાં આજથી 24 સપ્ટેમ્બર સુધી 50 ટકા ડિસ્કાઉન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ પર નર્મદાના નીરના વધામણાંની ઉજવણી નિમિત્તે મ્યુનિ.એ બોટિંગ તથા વોટરબેઝ્ડ એક્ટિવિટીની જાહેરાત કરી હતી. આ સુવિધા ઉસ્માનપુરા ગાર્ડન પાસે, વલ્લભસદન પાસે, ફ્લાવર ગાર્ડન પાછળ લોઅર પ્રોમીનાડ પર મળશે. સપ્ટેમ્બર 18થી સપ્ટેમ્બર 24 સુધી બોટિંગ ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાઈ છે. બોટિંગનો સમય સવારે 12થી સાંજ 7 સુધીનો રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની મોદીની અપીલ પછી કાર્યક્રમમાં આવેલા 300 લોકોએ પ્લાસ્ટિક વિણીને શ્રમદાન કર્યું હતું. આ ઉપરાંત 69 વૃક્ષ વાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here