સુરત : PM મોદીના બંદોબસ્તમાં આપઘાત કરી લેનારા PSIની અંતિમયાત્રા,પરિવારમાં શોકનો માહોલ

0
0

સુરતઃ નર્મદા ડેમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં યોજાયેલા કાર્યક્રમમાં નવસારીમાં એલઆઈબી પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં એન.સી.ફીણવીયાએ બંદોબસ્ત દરમિયાન લમણે રિવોલ્વર ચલાવી આપઘાત કરી લીધો હતો. મૂળ અમરેલી જિલ્લાના કનાતળાવ ગામના વતની અને હાલ સુરતના વરાછાના હીરાબાગ ખાતે આવેલી શાંતિનગર સોસાયટીમાં સી-101 નંબરના મકાનમાંથી મૃતકની અંતિમયાત્રા યોજાઈ હતી. વહેલી સવારે યોજાયેલી અંતિમયાત્રામાં પરિવારના સભ્યોએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યાં હતાં.

પરિવાર શોકમાં ગરક

બે નાના બાળકોને નોધારા છોડીને આપઘાત કરી લેનારા નિલેશ ફિણવીયાની અંતિમ યાત્રા નિવાસ સ્થાનેથી અશ્વિનિકુમાર સ્માશાન ગૃહ સુધી યોજાઈ હતી ત્યારે ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયાં હતાં. મૃતકની પત્નીએ કલ્પાંત કરી મુક્યો હતો.સાથે જ પરિવારના સભ્યોના રૂદનથી ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

અધિકારીઓ ત્રાસ આપતાં

મૃતકના કાકાના દીકરા ભાવેશે જણાવ્યું હતું કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિલેશને માનસિક ત્રાસ અપાતો હોવાનું તે કહેતો હતો. પોલીસે હજુ સુધી નિલેશની સુસાઈડ નોટ પણ આપી નથી જેમાં તેણે શું લખ્યું હતું તે જાહેર કર્યું નથી. આપઘાત પાછળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

બે ભાઈઓમાં નિલેશ નાના હતા

વર્ષ 2013માં પીએસઆઈ તરીકે નિલેશ છગનભાઈ ફીણવીયા પોલીસ બેડામાં જોડાયા હતાં. જો કે, તેમને બે વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતાં. છેલ્લે સસ્પેન્ડ કરાયા બાદ ફરી તેઓ 10 દિવસ અગાઉ જ ફરજ પર હાજર થયા હતાં. બે ભાઈઓમાં નાના નિલેશ ફીણવીયા બે સંતાનો અને પત્ની સાથે નવસારી રહેતા હતાં. આ દરમિયાન તેમને કેવડીયા-નર્મદા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં બંદોબસ્ત ખાતે મુકવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે સાથી પીએસઆઈની રિવોલ્વરથી ફોટા પાડવા માંગીને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

એક ભાઈ હીરામાં છે

આપઘાત કરી લેનાર મૃતક નિલેશના પિતા છગનભાઈ અમરેલી જિલ્લાના કાના તળાવના વતની હતાં. છગનભાઈ વરાછાના હીરાબાગ ખાતે આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતા હતાં. છગનભાઈનો મોટો દીકરો હીરામાં અને નાનો નિલેશ પોલીસમાં જોડાયો હતો. નિલેશના મિત્રોએ જણાવ્યું હતું કે, તેઓ મજબૂત મનોબળ ધરાવતા હતા પરંતુ તેમણે આમ અચાનક શા માટે આપઘાત કરી લીધો તે અંગે કશું કહી શકાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here