શ્રીલંકા-મોરેશિયસ સાથે ભારતના મજબૂત સાંસ્કૃતિક અને પરસ્પર સંબંધો.મોરેશિયસથી ભારત આવતા લોકોને હવે પૈસાની લેવડદેવડમાં સગવડ મળશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા UPI સેવાઓ લોન્ચ કરી હતી. PM મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે શ્રીલંકા અને મોરેશિયસને UPI સિસ્ટમ સાથે જોડવાથી બંને દેશોને પણ ફાયદો થશે. આનાથી મોરેશિયસથી ભારત આવતા લોકોને પણ સુવિધા મળશે.
દેશ-વિદેશમાં ભારતની વિશ્વસ્તરે વધવા લાગી છે. ભારત હવે વિશ્વગુરૂ તરફ આગળ વધી રહ્યો છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકા અને મોરેશિયસમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓનો શુભારંભ કર્યો છે. PM મોદી સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આપણા નાનામાં નાના ગામડામાં નાનામાં નાનો વેપારી પણ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યો છે કારણ કે તેમાં સગવડની સાથે ઝડપ પણ છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, ભારતની નીતિ છે- નેબરહુડ ફર્સ્ટ. અમારું દરિયાઈ વિઝન છે- ‘સાગર’, એટલે કે આ ક્ષેત્રમાં બધા માટે સુરક્ષા અને વિકાસ. અમારું લક્ષ્ય સમગ્ર ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ છે. ભારત તેના વિકાસને તેના પડોશી મિત્રોથી એકલતામાં જોતું નથી.
PM મોદીએ કહ્યું, મને વિશ્વાસ છે કે શ્રીલંકા અને મોરેશિયસને UPI સિસ્ટમ સાથે જોડવાથી બંને દેશોને પણ ફાયદો થશે. મને ખુશી છે કે એશિયામાં ગલ્ફમાં નેપાળ, ભૂતાન, સિંગાપોર અને UAE બાદ હવે આફ્રિકામાં મોરેશિયસથી RuPay કાર્ડ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આનાથી મોરેશિયસથી ભારત આવતા લોકોને પણ સુવિધા મળશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે બતાવ્યું છે કે દરેક સંકટના સમયમાં ભારત સતત તેના પડોશી મિત્રો સાથે ઊભું છે. પ્રાકૃતિક આપત્તિ હોય, આરોગ્ય સંબંધિત હોય, અર્થતંત્ર હોય કે આંતરરાષ્ટ્રીય મંચ પર સહકાર હોય. ભારત પ્રતિક્રિયા આપનારો પ્રથમ દેશ છે અને આમ કરતું રહેશે.
આ પગલું ભારતથી શ્રીલંકા અને મોરેશિયસ જતા ભારતીય નાગરિકો અને આ બે દેશોમાંથી ભારત આવતા મુસાફરોને ડિજિટલ વ્યવહારો કરવા માટે સુવિધા આપશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પહેલ સીમલેસ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા વિશાળ શ્રેણીના લોકોને લાભ કરશે અને દેશો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધારશે.