નવી સંસદનો શિલાન્યાસ : PM મોદી 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કરશે, ગુજરાતીએ તૈયાર કરી છે તેની ડિઝાઇન.

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે દિલ્હીમાં સંસદ ભવનના નવા બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરવાના છે. શનિવારે આ માહિતી લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ આપી છે.તેમણે વડાપ્રધાન મોદીની તેમના ઘરે જઈને મુલાકાત કરી અને આમંત્રણ આપ્યું હતું. આ જ મુદ્દે ઓમ બિરલાએ ગયા સપ્તાહમાં અધિકારીઓની સાથે નવા બિલ્ડિંગની મુલાકાત પણ કરી હતી.

સંસદભવનની ડિઝાઇન તૈયાર કરનાર છે એક ગુજરાતી આર્કિટેક્ટ. દેશ અને દુનિયામાં મહત્ત્વના પ્રોજેક્ટ્સની ડિઝાઇન બનાવનારા અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે ભારતના નવા સંસદભવન સંબંધિત પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરી છે. દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાત કરી અને જાણ્યું કે આ નવી બની રહેલી સંસદ કેવી હશે? એેમાં કેવી સુવિધાઓ હશે અને એે ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે?

શા માટે નવું સંસદભવન?

હાલનું સંસદભવન સૈકા જૂનું હોવાથી એેમાં મરામતની તીવ્ર આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું અનિવાર્ય છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય તેવી પ્રાથમિકતા આપવામાં આવી છે.

સેન્ટ્રલ વિસ્ટા શું છે?

1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.

ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો

ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે.

કોણ છે બિમલ પટેલ?

આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રી-ડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

ડિઝાઇન અંગે પ્રધાનમંત્રીનું બ્રીફિંગ શું હતું?

નવા પાર્લમેન્ટ હાઉસની ડિઝાઇન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલાં સૂચનો અંગે બિમલ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનો આગ્રહ હતો કે નવું બિલ્ડિંગ કાર્યક્ષમ, સામાન્ય લોકો માટે સુલભ અને સંસદની તમામ આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરે એેવું હોવું જોઈએ. તેમણે આગ્રહ પણ કર્યો હતો કે સુરક્ષા વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેથી સામાન્ય લોકો આ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકે અને ભયનો અનુભવ ન કરે.

નવાં-જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોતાં ડાયમંડ લૂક આવશે

બિમલ પટેલે જણાવ્યું હતું કે આ આખા પ્રોજેક્ટમાં જૂના બિલ્ડિંગની બંને તરફ ટ્રાયેન્ગલ શેપમાં બે બિલ્ડિંગ બનશે. જૂના સંસદભવનનો આકાર ગોળ છે, જ્યારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં છે અને એને કારણે નવાં અને જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોઈએ તો એે ડાયમંડ જેવો આકાર લાગશે. વિક્ટરી હાઉસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પાર્લમેન્ટ માટે અત્યાધુનિક સવલતો ઊભી કરવાનો છે. હાલ બંને ઈમારતોનો ઉપયોગ થવાનો છે, પણ ભવિષ્યમાં નવું બિલ્ડિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નવા બિલ્ડિગનાં મહત્ત્વનાં પાસાઓ

  • પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા હાલના સંસદભવનની બાજુમાં જ હશે અને બંને બિલ્ડિંગમાં એકસાથે કામ થશે.
  • અત્યારે લોકસભામાં 590 લોકો બેસી શકે છે. નવા સંસદમાં 888 લોકોને બેસવાની ક્ષમતા હશે અને પબ્લિક ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે.
  • રાજ્યસભામાં હાલ 280ની સીટિંગ કેપેસિટી છે, જે વધીને 384 થશે અને પબ્લિક ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકાશે.
  • બંને ગૃહોના સંયુક્ત સેશન સમયે લોકસભા હોલમાં 1,272થી વધુ લોકો બેસી શકાશે.
  • લોકસભા અને રાજ્યસભામાં બધા સભ્યોને બેસવા માટે અત્યાધુનિક આરામદાયક બેઠક વ્યવસ્થા હશે, જે ઓડિયો-વિઝ્યુઅલ ઈક્વિપમેન્ટ સહિતની હાઈટેક ઓફિસને સમકક્ષ હશે.
  • સંસદની દરેક મહત્ત્વની કામગીરી માટે અલગ અલગ ઓફિસ હશે. દરેક ઓફિસર અને કર્મચારી માટે હાઈટેક ઓફિસ સુવિધા હશે.
  • કાફે અને ડાઈનિંગની સગવડતામાં પણ આધુનિકતા અને મોકળાશનો ખ્યાલ રાખવામાં આવશે.
  • કમિટી મીટિંગના અલગ અલગ રૂમ્સને હાઈટેક ઈક્વિપમેન્ટથી સજ્જ કરવામાં આવશે.
  • કોમન રૂમ્સ, મહિલાઓ માટે લાઉન્જ અને VIP લાઉન્જ.

નવા પ્રોજેક્ટમાં આ 8 વાત ખાસ હશે

  • નવું સંસદભવન હાઈ એનર્જી એફિશિયન્સી સાથેનું હશે. એને ગ્રીન બિલ્ડિંગનું રેટિંગ પણ મળશે.
  • લોકસભા અને રાજ્યસભા હોલમાં અત્યંત હાઈ ક્વોલિટી એકોસ્ટિક (ધ્વનિશાસ્ત્ર) હશે.
  • બિલ્ડિંગની સલામતી માટે ઝોન-5ના સેફ્ટી સ્ટાન્ડર્ડ અપનાવવામાં આવ્યા છે.
  • એરકંડિશનિંગ, લાઈટિંગ, ઇલેક્ટ્રિક સાધનો સરળતાથી અપગ્રેડ થઈ જશે.
  • આ બિલ્ડિંગનું મેઇન્ટેનન્સ અને સંચાલન સરળ રીતે થઈ શકશે.
  • VVIP માટે અન્ડરગ્રાઉન્ડ પ્રવેશ, જયારે જાહેર જનતા અને અધિકારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પરથી એન્ટ્રી હશે.
  • દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી આ બિલ્ડિંગનો ઉપયોગ કરી શકે એેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
  • હોલમાંથી ઇમર્જન્સીમાં સરળતાથી અને અસરકારક રીતે બહાર નીકળવાનો રસ્તો રાખવામાં આવશે.
  • જૂના બિલ્ડિંગનો અમુક ભાગ તોડીને નવો બનાવાશે
  • બિમલ પટેલે અગાઉ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જૂની પાર્લમેન્ટનો ઘણો ભાગ રિપેરિંગ માગે છે, જયારે અમુક ભાગ જે રિપેર થઇ શકે એેમ ના હોય તો એને તોડી પાડવામાં આવશે અને એે જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવાશે. આમાં કૃષિભવન, શાસ્ત્રીભવન સહિતનો ભાગ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here