મોરબી, : માળિયા મિંયાણા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગત તા. 4 માર્ચના રાત્રીના સમયે હુમલો થયો હતો. મહિલાઓ સહિતના પરિવારજનોએ પોલીસ ટીમ પર હુમલો કરતા 6 પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી. જે હુમલા પ્રકરણમાં આજે વહિવટી તંત્ર અને પોલીસે એક્શન લેતા બુટલેગરના ભાઈના મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું.
ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલા મામલે પોલીસે મહિલાઓ સહીત 10 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી નવ આરોપીને ઝડપી લીધા હતા. કુખ્યાત બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી. બુટલેગરના ભાઈ રફીક હાજીએ સરકારી જામીન પર કબજો કરી મકાન બનાવી નાખ્યું હતું જે મામલે તંત્ર દ્વારા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી. અને આજે રેવન્યુ વિભાગ તેમજ પોલીસ વિભાગ ડીમોલીશન કરવા પહોંચ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબામાં ખડકી દીધેલ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને દબાણ દુર કરાયું હતું
આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે ખીરઈ ગામે પોલીસ ટીમ દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે બુટલેગરને ઝડપી લેતા ધરપકડથી બચવા બુટલેગર અને પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. બાદમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન દારૂ સહિતનો મુદામાલ અને હથિયારો જપ્ત કર્યા હતા અને આ મકાન સરકારી જમીન પર બનેલું હોવાની માહિતી મળી હતી. જેથી નોટીસ આપી આજે ડીમોલીશન કરવામાં આવ્યું છે. જ્યારે મામલતદારે જણાવ્યું કે ખીરઇ ગામે સરકારી ખરાબાની જમીનમાં રફીક હાજીએ 800 થી 900 ચોરસ મીટર જગ્યા પર દબાણ કરી મકાન બનાવ્યું હતું. જે અંગે અગાઉ નોટીસ આપી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડી પાડવામાં આવ્યું હતું.