જામનગર : પોલીસ કોન્સ્ટેબલે પત્ની સાથે કર્યો આપઘાત, કારણ અકબંધ

0
0

માસૂમ બાળક માતાના મૃતદેહ સાથે રમતું જોઇ સૌ કોઈ અવાક બની ગયા

જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં એક કોન્સ્ટેબલે પત્નીએ સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. એક સાથે બન્ને આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે બાદમાં પોલીસ કર્મચારી અને તેના પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ચાર મહિનાનું બાળક માતાના મૃતદેહ પાસે રમી રહ્યું હતું.

જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરત જાદવ અને તેમના પત્ની જાગૃતિબેને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ હેડ કવાટર્સના 31નંબરના બ્લોકમાં પોતાના રહેણાક મકાનમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેનના મૃતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન માતાના દેહ પાસે 4 મહિનાનું તેમનું બાળક રમતું મળી આવ્યું હતું. હૃદય કંપાવનાર આ દ્રશ્ય જોઈ સૌ કોઈ અવાક બની ગયા હતા.

પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ કબ્જે કરી બંનેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે બંનેના દેહને હોસ્પિટલ ખસેડી પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં આશરે છેલ્લા ત્રણેક વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરત માવજીભાઈ જાદવ સુખીસંપન્ન હતા. ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારના વતની પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવના દોઢેક વર્ષ પહેલાં જ જાગૃતિબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન એક બાળક પણ જન્મ થયો હતો.

ગઇકાલે તા.17 ઓગસ્ટ 2020ના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પરથી બપોરે કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ હેડક્વાર્ટર પોતાના ઘરે ગયા હતા. બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં પોલીસમેન ભરતભાઇ અને તેના પત્નિ જાગૃતિબેને આપઘાત કરી લીધો હતો. ભરતભાઈએ મૃત્યુ પહેલા પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર છેલ્લે 3.56 કલાકે હિન્દી ગીત સાથેનું સ્ટેટ્સ પણ મૂક્યું હતું.

પોલીસને રાત્રે 8 વાગ્યા આસપાસ આ ઘટનાની જાણ થતાં મોડી રાત સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસમેન તેમજ તેમના પત્નીએ કરેલા આપઘાત અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી નિવેદન નોંધવા અને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here