વડોદરા : 6 વર્ષ પહેલા ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી, ચહેરો બદલાઇ ગયો હોવા છતાં માતા-પિતાએ ઓળખી બતાવી

0
0

વડોદરા શહેરમાંથી 6 વર્ષ પહેલા 2014માં ગુમ થયેલી બાળકીનું વડોદરા પોલીસે તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. ગુમ થઇ ત્યારે બાળકીની ઉંમર 7 વર્ષની હતી. હાલ બાળકની ઉંમર 13 વર્ષની છે. જેથી બાળકીને ઓળખવી મુશ્કેલ હતી. જોકે માતા-પિતાએ બાળકીને ઓળખી બતાવી હતી. બાળકીનું કાઉન્સેલિંગ કર્યાં બાદ પોલીસ તેના માતા-પિતાને સોંપશે.

કુદરતી હાજતે ગયા બાદ બાળકી ગુમ થઇ હતી
18 ઓગષ્ટ, 2014ના રોજ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં 7 વર્ષની બાળકીની ગુમ થયાની ફરીયાદ નોંધાઇ હતી. 17 ઓગષ્ટ 2014ના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ બાળકી કુદરતી હાજતે ગઇ હતી, ત્યારબાદ ગુમ થઇ ગઇ હતી. પોલીસે ફરીયાદ નોંધીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. વડોદરા શહેર પોલીસની મિસિંગ સેલ દ્વારા પણ ગુમ થયેલી 7 વર્ષની બાળકીની શોધખોળ કરી હતી. પરંતુ જોકે લાંબી તપાસ બાદ પણ બાળકીનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

DGP આશિષ ભાટીયાએ ચાર્જ લીધા બાદ ગુમ બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી
રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાએ ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યભરમાં ગુમ થયેલા સગીર બાળકોને શોધી કાઢવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જે.પી. રોડ પોલીસ સ્ટેશનના PI ડી.કે વાઘેલા PSI કે.વી ડીંડોર સહિતના સ્ટાફે 6 વર્ષ પહેલા ગુમ થયેલી 7 વર્ષની બાળકીની શોધખોળ ફરી શરૂ કરી હતી.

6 વર્ષ બાદ મળેલી બાળકીને માતા-પિતાએ ઓળખી લીધી
6 વર્ષ, 8 મહિના બાદ ગુમ થયેલી બાળકી અંગે જે.પી. રોડ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ માધ્યમથી માહિતી મળી હતી. બાળકી ગાંધીનગર પાસે અડાલજ બ્રિજ નીચે રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જોકે, પોલીસ માટે એ નક્કી કરવુ ખુબ જ મુશ્કેલ હતું કે, ગાંધીનગરના અડાલજ બ્રિજ નીચે રહેતી બાળકી એ જ છે, જે 7 વર્ષ પહેલા વડોદરાથી ગુમ થઇ હતી. પરંતુ માતા-પિતાએ પોતાની બાળકીને ઓળખી બતાવી હતી. આમ પોલીસે 6 વર્ષ બાદ બાળકીનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here