વડોદરા : દુકાન ખોલતા 3 વેપારીઓને પોલીસે ફટકાર્યા, બાઇક લઇને નીકળેલા યુવાનોને ઉઠક બેઠક કરાવી,

0
6
  • લોકડાઉનને પગલે બેંક ખુલ્લી હોવા છતાં ખાલીખમ, ગ્રાહકો કામ માટે આવતા નથી
  • વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાત જડબેસલાક બંધ, ગામડામાં પણ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે
  • પાલિકાએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કર્યો

વડોદરા : રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેને પગલે આખા વડોદરા શહેરમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરના નવા બજારમાં દુકાનો ખોલીને બેઠેલા 3 વેપારીઓને પોલીસે ફટકાર્યા હતા અને દુકાનો બંધ કરાવી હતી. વડોદરા શહેરની તમામ ચેકપોસ્ટ અને ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે. અને જીવન જરૂરીયાત અને ઇમર્જન્સી સેવા સિવાય બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે પોલીસે બહાર નીકળીને જાહેરનામાનો ભંગ કરવા બદલ 15 લોકોની અટકાયત કરી છે. વડોદરા શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે. વડોદરા જિલ્લામાં જાહેરનામા ભંગની 8 ફરિયાદો નોંધાઇ છે.

બાઇક લઇને નીકળેલા 3 યુવાનો પોલીસે ઉઠક બેઠક કરાવી

વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર બાઇક લઇને નીકળેલા 3 યુવાનો પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. પાણીગેટ ટાંકી 3 રસ્તા પાસે વિવિધ બહાના હેઠળ નીકળેલા લોકોના વાહનો ડિટેઇન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

નેશનલ હાઇવે પર કાર ખાડામાં ખાબકી, 6 લોકોનો બચાવ

કોરોના વાઈરસના કહેરના લીધે રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે સુરતનો પરિવાર પોતાના વતન સૌરાષ્ટ્ર તરફ જઇ રહ્યો હતો. ત્યારે વડોદરા શહેરના તરસાલી બ્રિજ પાસે કારચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી. કારમાં બે બાળક સાથે 6 લોકો સવાર હતા. પોલીસે તમામને લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.

લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ બંધ કરી કરી દીધા

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને શંકાસ્પદ કોરોના વાઈરસના 7 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. જેને પગલે આખુ વડોદરા શહેર લોકડાઉન છે. વડોદરા શહેરના ગોરવા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ બંધ કરી દીધા છે. જેને પગલે વડોદરા શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે. માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાય તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રહ્યા છે.

મુસાફરોની હેરાફેરી કરતા 35 વાહનો જપ્ત

વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન મુસાફરોની હેરાફેરી કરતા 35 વાહનો પોલીસે જપ્ત કર્યાં છે અને વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા નજીક આવેલા કેલનપુર ગામમાં સામાજિક પ્રસંગ યોજીને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં જાહેરનામા ભંગની 8 ફરિયાદો પોલીસે નોંધી છે.

પોલીસે વાહન ચાલકોને ખખડાવ્યા

ભરૂચમાં લોકડાઉનને પગલે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, પરંતુ ભરૂચ સ્ટેશન સર્કલ પાસે કેટલાક લોકો બહાર નીકળતા પોલીસે કડક બનીને ઉઠક બેઠક કરાવી હતી. પોલીસે બહાર નીકળનાર વાહન ચાલકોને ખખડાવ્યા હતા.

પાલિકાએ સેનેટાઇઝરનો છંટકાવ કર્યો

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વડોદરા શહેરના માંડવી, ન્યાયમંદિર અને રાવપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here