ટ્રાફિક દંડ : પોલીસે હેલ્મેટ વગર એકને જવા દીધો, ST-BRTS બસને સિગ્નલના ભંગ બદલ રૂ.500નો મેમો આપ્યો

0
0

અમદાવાદ: આજથી ટ્રાફિકના નવા નિયમ મુજબ પોલીસે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. આજ સવારથી જ પોલીસ જે પણ વાહનચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તેની સામે કાર્યવાહી કરી રહી છે. પોલીસ માત્ર દંડ જ નથી ફટકારી રહીં પરંતુ માનવીય અભિગમ દર્શાવી અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવી રહી છે. પોલીસે રોંગ સાઈડમાં જતાં વાહનચાલકો હેલ્મેટ વગર, સિગ્નલ ભંગ કરતા વાહનચાલકોને નવા દંડ ફટકારી રહી છે. આજે સવારથી શહેરના તમામ મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જેમાં ટૂ-વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ વગર રૂપિયા 500નો દંડ ફટકારી રહી છે.

ભયજનક રીતે બસ વળાવી ટક્કર મારતા STના ડ્રાઈવરને દંડ ફટકાર્યો
શિવરંજની ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન કરાવી રહી હતી ત્યારે નહેરુનગર-વડોદરા રૂટની એસટી બસના ચાલકે જમણી તરફ ભયજનક રીતે વળાવતા સાઈડમાં ઉભેલી એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી. મહિલા નીચે પટકાઈ હતીય ટ્રાફિક પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને બસના ચાલકને રોક્યો હતો. અને સિગ્નલ બંધ હોવા છતાં બસ વળાવી અકસ્માત કરવા બદલ રૂ.500નો દંડ ફટકાર્યો હતો.

BRTS બસના ડ્રાઈવરે સિગ્નલ ભંગ કરતા 500નો મેમો આપ્યો
ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર ટૂ-ફોર વ્હીલર ચાલકોને દંડ નથી ફટકારાતો, એસટી બસ, BRTS બસ, AMTS બસના ચાલકો જો ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેને પણ દંડ ફટકારવામાં આવે છે. BRTS બસના ચાલકે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી અને સ્ટોપલાઈનથી આગળ બસ ચલાવતા ટ્રાફિક પોલીસે તેને રોકી સિગ્નલ ભંગ બદલનો રૂપિયા 500નો મેમો પણ ફટકાર્યો હતો. જે બસ ડ્રાઈવર ગોતમ નિનામાએ ભર્યો હતો.

પોલીસે પાર્થ કોટેચા નામના યુવકને જવા દીધો
શહેરના તમામ મોટા જંક્શન પર પોલીસે સવારથી જ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી દીધી છે. ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે પોલીસે હેલ્મેટ વગર ટૂ-વ્હીલક ચાલકને રોક્યો હતો. ટ્રાફિકના નવા નિયમ પ્રમાણે હેલ્મેટ વગર ગાડી ચલાવતા 500નો દંડ ફટકારવામાં આવે છે. પોલીસે જ્યારે દંડનું કહ્યું ત્યારે પાર્થે કહ્યું કે, મારો પગાર થયો નથી એટલે હેલ્મેટ નથી ખરીદ્યું. નવા નિયમ વિશે પુછતા તેણે જણાવ્યું હતું કે, આજથી લાગૂ થયેલા ટ્રાફિકના નવા નિયમ વિશે મને કોઈ જાણકારી નથી. પોલીસે પાર્થને હેલ્મેટ પહેરવાની સૂચના આપીને તેણે જવા દીધો હતો.

ટ્રાફિક પોલીસે પકડ્યા બાદ યુવકે હેલ્મેટ પહેર્યું
પોલીસે ડ્રાઈવ યોજીને હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે. શિવરંજની ચાર રસ્તા પાસે પોલીસે હેલ્મેટ વગર એક્ટિવા ચાલકને રોક્યો હતો. પોલીસે તેણે હેલ્મેટ વગર ગાડી ચલાવતા રૂપિયા 500નો દંડ ફટકાર્યો હતો. જોકે, પોલીસે પકડ્યા બાદ તેણ હેલ્મેટ પહેરી લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here