સુરત : વરરાજા સહિત 9 યુવકોને જુગારના આરોપમાં પોલીસે લોકઅપમાં પુરી દીધા, જામીન પર છૂટી બીજા દિવસે લગ્ન કર્યા

0
4

સુરત. નવાપુરામાં મહિધરપુરા પોલીસે રેડ કરી વરરાજા સહિત 9 જેટલા યુવાનોને પકડી લોકઅપમાં પુરી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો. જુગાર રમવામાં આરોપમાં પકડાયેલા તમામ મિત્રો હિતેશ(નામ બદલેલ છે)ના લગ્ન પ્રસંગ માટે ભેગા થયા હોવાનું તપાસમાં બહાર આવતા તમામને બીજે દિવસે છોડી મુકાયા બાદ હિતેશે 24 કલાક બાદ લગ્નના ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયો હતો. પોલીસની શંકાસ્પદ કામગીરીથી હિતેશના લગ્ન તૂટતા તૂટતા રહી ગયા હોવાનું હિતેશે જણાવી રોષ વ્યકત કર્યો હતો.

પોલીસ જબરજસ્તી ઘરમાં ઘૂસીને તમામને પકડી લીધા

હિતેશ (પીડિત, વરરાજા) એ જણાવ્યું હતું કે, 18 મેના રોજ નવાપુરા સ્થિત તેઓ ઘરમાં લગ્ન પ્રસંગની તૈયારી કરી રહ્યા હતા. અચાનક ઓટલે બેસેલા કેટલાક યુવાનો ઘરમાં ઘૂસીને પોલીસ ની રેડ પડી હોવાની બુમો પાડી રહ્યા હતા. લોકડાઉનને લઈ ડરના માર્યા તેઓ તમામ મિત્રો સાથે ઘરના પહેલા માળે ચાલી ગયા હતા. જોકે, પોલીસ જબરજસ્તી ઘરમાં ઘૂસીને તમામને પકડી લીધા હતા અને જુગાર રમો છો કહી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરતી હતી

પોલીસને તમામે આજીજી કરી છતાં પોલીસ સ્ટેશન લઈ ગઈ

હિતેશે વધુમાં જણાવ્યું હતી કે 18 મી સાંજે લગભગ 6:45 ની ઘટના બાદ લોકો ભેગા થઈ ગયા હતા. 19 મીની સવારે મારા લગ્નનું મુહૂર્ત હતું. પોલીસને તમામે આજીજી કરી તેમ છતાં પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને 16 કલાક બાદ એટલે બીજા દિવસે મંગળવારે 12 વાગે જામીન પર છોડ્યા હતા. હું ઘરે પહોંચતા જ મારા સાસરિયાઓને આ વાતની જાણ થઈ ગઈ હતી. આખા મહોલ્લામાં જુગાર રમતા હિતેશ પકડાયો હોવાની વાત પ્રસરી ગઈ હતી. મારી ફિયાન્સી પણ મારાથી નારાજ થઈ ગઈ હતી. ઘણી સમજાવ્યા બાદ એ વાસ્તવિકતાથી વાકેફ થઈ હતી. ત્યારબાદ મારા 19મીના લગ્ન બીજા દિવસે એટલે બુધવારે સવારે કરવાની ફરજ પડી હતી. જોકે, પોલીસની આવી શંકાસ્પદ વૃત્તિ ને કારણે મારું ઘર બનતા પહેલા જ તૂટી જતા રહી ગયું હતું એ વાત નું દુઃખ હંમેશા રહેશે.

પોલીસે જુગાર ધારા હેઠળ ફરિયાદ દાખલ કરી અપરાધી બનાવી દીધો

હિતેશે વધુમાં ઉમેર્યું હતું કે, હું જરીમાં કામ કરી મારા અને મારા પરિવારનું પેટિયું ભરૂ છું. આજદિન સુધીમાં કોઈ પણ આવા કેસમાં અમારા પરિવારમાંથી કોઈ પકડાયું નથી. મેં પોલીસને વારંવાર કહ્યું હતું કે સાહેબ મહોલ્લામાં કોઈને પણ પૂછી લો અમે આવા કોઈ પણ કામ સાથે સંકળાયેલા નથી તેમછતાં પોલીસે જુગાર ધારા હેઠળ ફરિયાદ દાખલ કરી મને અપરાધી બનાવી દીધો હતો. પોલીસને મારા ઘરેથી કોઈ પણ એવા પુરાવા મળ્યા નથી કે જેનાથી એવું સાબિત થાય કે હું કે મારા મિત્રો જુગાર રમતા હોય. બસ પોલીસ પોતાની આબરૂ બચાવવા મને ઉપાડી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here