બગસરા : સુડાવડમાં પકડાયેલા દીપડાનો ઘેરાવ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો’તો, 400 સામે રાયોટિંગનો ગુનો

0
45

અમરેલી:  બગસરાના સુડાવડ ગામે માનવભક્ષી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનો એકત્ર થયા હતા અને વન વિભાગ પાસે અમારી નજર સામે જ દીપડાને ઠાર કરો તેવી માંગ કરી હતી. જો કે વન વિભાગે આ અંગે ઇન્કાર કરતા લોકો રોષે ભરાયા હતા અને દીપડાના પાંજરાનો ઘેરાવ અને વન વિભાગની ગાડી પર ચડી જઇ પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ અંગે વન વિભાગના ઇન્ચાર્જ આરએફઓ ભરત ચાંદુએ 400 લોકો સામે ફરજમાં રૂકાવટ બદલ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દીપડાએ પાંચ લોકોનો શિકાર કર્યો હતો

બગસરા અને વિસાવદર પંથકમાં આ માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યો હતો. આ વિસ્તારમાં દીપડાએ પાંચ લોકોને ફાડી ખાધાનું કહેવાય છે. દિવાળી પહેલા બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામના 75 વર્ષીય વૃદ્ધ ખેડૂતને દીપડાએ ફાડી ખાધા હતાં. જેને પગલે ખેડૂતવર્ગમાં ભારે રોષ હોય વનતંત્રએ માનવભક્ષી દીપડાને પકડવા જુદા જુદા 10 પાંજરા ગોઠવ્યા હતાં. દરમિયાન ગઇકાલે વહેલી સવારે સાપર અને સુડાવડની સીમમાં ગોઠવેલા પાંજરામાં દીપડો સપડાઇ ગયો હતો.

પોલીસે 10 શખ્સોની અટકાયત કરી હતી

દીપડો પકડાયાની જાણ થતા જ સાપર, સુડાવડ અને લુંધીયા ગામના ખેડૂતો અહીં મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં અને આ દીપડો માનવભક્ષી હોય તેને ઠાર મારવા માંગ કરી હતી. વનતંત્રએ મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકો ત્યાંથી ન હટતા આખરે પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસ વડા પણ દોડી આવ્યા હતાં. આમ છતાં મામલો થાળે ન પડતા આખરે પોલીસે હળવી લાઠીઓ વિંઝી એકઠા થયેલા લોકોને વિખેરી નાખ્યા હતાં. જો કે પોલીસ સાથે તકરાર કરનાર 10 લોકોને ઉપાડી લઇ બગસરા પોલીસ મથકે લવાયા હતાં. મોડીથી જાણવા મળતી વિગત મુજબ આ અંગે ગુનો નોંધવા પણ તજવીજ હાથ ધરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here