નવરાત્રિમાં સોસાયટી-ફ્લેટમાં એક કલાકના આરતી-પૂજા માટે પણ પોલીસ પરમિશન જરૂરી, સોશિયલ ડિસ્ટન્સ અને માર્કિંગ ફરજિયાત

0
0

શનિવારથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે.

નવરાત્રિની પૂજા-આરતી માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગરબાની પરમિશન આપવામાં આવી નથી. એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે.

પરમિશન ન લેનાર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી થશે

નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે, જેના માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે. પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે. આજથી આ પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here