કોરોના વોરિયર્સ તરીકે હેલ્થ વર્કર પછી પોલીસ કર્મીઓને રસી અપાશે,સવા લાખ પોલીસ કર્મચારીનું લિસ્ટ તૈયાર કરાશે

0
0

કોરોના સામેની લડાઈમાં ડૉક્ટર્સ, હેલ્થ વર્કર બાદ પોલીસ વોરિયર તરીકે કામ કરી રહી છે. ત્યારે કોવિડ વેક્સિન માટે પોલીસ કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હવે પોલીસ કર્મચારીઓના નામ સાથે મોબાઈલ નંબરની એક યાદી સરકારમાં મોકલી આપવામાં આવશે તેવો આદેશ રાજ્યના પોલીસ વડાએ કરી દીધો છે. રસીકરણ શરૂ થશે એટલે ક્યા સ્થળે અને ક્યારે રસી મુકી અપાશે તેની વિગતોનો મેસેજ જે-તે પોલીસ કર્મચારીને સીધો જ તેમના મોબાઈલ ફોન નંબર પર મોકલાશે.ગુજરાતના સવા લાખ પોલીસ કર્મચારીને ફ્રન્ટલાઈન વોરિયર ગણીને રસીકરણ કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

કોરોનાગ્રસ્ત કોન્સ્ટેબલની સંખ્યા 104 થઈ ગઈ

હાલમાં કોરોનાગ્રસ્ત કોન્સ્ટેબલની સંખ્યા 104 થઈ ગઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1211 પોલીસ કર્મચારીને કોરોના થયો છે તેમાંથી 1011ને રજા આપવામાં આવી છે. લોકો વચ્ચે રહીને કામ કરતાં મેડીકલ સ્ટાફ ઉપરાંત પોલીસને પણ કોરોના વોરિયર ગણીને કોરોના વેક્સિન અપાય તે માટે અગ્રતાક્રમ આપવામાં આવનાર છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર ગણીને વેક્સિનેશન માટે ડેટા તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ કર્મચારીના નામ અને મોબાઈલ ફોન નંબર સાથેની વિગત સરકારમાં મોકલી આપવામાં આવનાર છે.

જાન્યુઆરી મહિનામાં પોલીસ કર્મચારીઓને રસી આપવામાં આવે તેવી શક્યતાઓ

ડીજીપી કચેરી તરફથી ગુજરાતના અંદાજે 1.25 લાખ પોલીસ કર્મચારીની યાદી કોરોના વેક્સિનેશન માટે તૈયાર કરવાના આદેશ આપી દેવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના સવા લાખ પોલીસ કર્મચારીના નામ, સરનામા, પોલીસ સ્ટેશન અને મોબાઈલ ફોન નંબર સાથેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.રસીકરણ શરૂ થશે એટલે દરેક પોલીસ કર્મચારીને તેમના મોબાઈલ ફોન ઉપર રસી ક્યારે, ક્યાં અને કેવી રીતે અપાશે તેની વિગતો મોકલી આપવામાં આવશે. એવી આશા સેવાઈ રહી છે કે, ડીસેમ્બર મહિનાના અંતભાગ અથવા તો જાન્યુઆરી મહિનામાં મેડિકલ સ્ટાફ ઉપરાંત પોલીસમાં રસીકરણ શરૂ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here