સુરત : વેસુમાં ફ્રેન્ડશીપના નામે ઠગાઈ કરતા કોલસેન્ટર પર પોલીસની રેડ,

0
0

સુરતઃ વેસુમાં ફ્રેન્ડશીપના નામે ઠગાઈ કરતા કોલસેન્ટર પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને 7 યુવતીઓ સહિત 20ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચમાં 5.72 લાખની કરવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદ બાદ તપાસ કરી રેડ પાડવામાં આવી હતી.

કેવી રીતે રૂપિયા પડાવતા હતા?

મળતી માહિતી પ્રમાણે, અમરોલીના રત્નકલાકાર ગૌતમ જોષી પર એક યુવતીનો કોલ આવ્યો અને કહ્યું કે, ફ્રેન્ડશીપ ક્લબમાંથી બોલું છું, ત્યારબાદ મીઠી-મીઠી વાતો કરી રત્નકલાકારને ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી અને તેના માટે રજીસ્ટ્રેશનના 1900 રૂપિયાની માંગણી કરી હતી. યુવતીની વાતમાં આવી ગયેલા રત્નકલાકાર ગૌતમે 1900 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા આપ્યા પછી મેમ્બરશીપ લેવા માટે 21 હજારની માંગણી કરી હતી, જેમાં ગર્લ્સ ચેટિંગ ઉપરાંત રૂબરૂ વાત થઈ શકે, એવી સ્કીમ આપીને તેની પાસેથી 21 હજારની રકમ પવન નામના વ્યકિતના ખાતામાં મોકલી હતી. ત્યાર પછી રાધિકા નામની યુવતીએ રત્નકલાકારને પોતાની સેફ્ટી માટેની વાત કરીને તેની પાસેથી 1 લાખની માંગણી કરી હતી. જોકે, તેની પાસે 40 હજારની સગવડ હતી. આથી 40 હજારની રકમ ગાંધીનગર ખાતે આંગડીયા પેઢીમાં રાધિકાને મોકલાવી હતી. આવું કહીને મીટિંગના નામે ઉપરાંત હોટેલમાં બુકિંગના નામે રાધિકા, કવિતા, જ્યોતિ અને ઉમેશે રત્નકલાકાર પાસેથી કુલ 5.72 લાખની રકમ પડાવી હતી. આખરે છેતરાયેલા રત્નકલાકારે ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે મોબાઇલ પર વાત કરનાર આકાશ, રાધિકા, અભય રાયચંદ્ર, પવન, જ્યોતિ, કવિતા, અને ઉમેશ નામના ચીટરો સામે ગુનો નોંધ્યો હતો.

રોકડા રૂપિયા અને 15 બેંક એકાઉન્ટ પણ મળ્યા

પોલીસે તપાસ કરતા જણાયું હતું કે, આ કોલ સેન્ટર વેસુ વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું છે. જેથી પોલીસે કોલ્સેન્ટરમાં રેડ પાડી હતી અને સાત યુવતીઓ સહિત 20ની ધરપકડ કરી હતી. પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિતની સામગ્રી કબ્જે કરી હતી. તપાસ દરમિયાન પોલીસને રોકડા રૂપિયા અને 15 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. હાલ તો તમામને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here