J&Kમાં રાજકીય હલચલ : કાશ્મીરી નેતાઓની મોદી સાથે બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ PMના ઘરે પહોંચ્યાં

0
0

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યાના અંદાજે 2 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે મીટિંગ કરવાના છે. મીટિંગ સાંજે 3 વાગે થવાની છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાંથી રાજકીય વિરોધ દૂર કરવા વિશે વાતચીત થઈ શકે છે. તેમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, મહેબુબા મુફ્તી જેવા મોટા નેતાઓ પણ હાજર રહેશે.

બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ વડાપ્રધાન મોદીના ઘરે પહોંચ્યા હતા. અહીં મીટિંગના એજન્ડા વિશે ચર્ચા થઈ શકે છે. તે ઉપરાંત પીએમની બેઠક પહેલાં કાશ્મીરના નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પાર્ટી મુખ્યાલયમાં મહત્વની મુલાકાત ચાલી રહી છે. આ બેઠકમાં રવિન્દ્ર રૈના, કવીન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ અને મંત્રી જીતેન્દ્ર સિંહ સામેલ છે.

આ દરમિયાન મહેબુબાના પાકિસ્તાન સાથે વાતચીતના નિવેદન મુદ્દે હોબાળો થઈ ગયો છે. જમ્મુમાં ડોગરા ફ્રન્ટે તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું છે કે, મહેબુબાએ આવુ નિવેદન ના આપવું જોઈએ. તે માટે તેમને જેલના સળીયા પાછળ નાખી દેવા જોઈએ.

મહેબુબા દિલ્હી પહોંચ્યા, ફારુખ થોડીવારમાં પહોંચશે
બેઠકમાં સામેલ થવા મહેબુબા મુફ્તી દિલ્હી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, તેઓ ખુલ્લા દિલે ચર્ચા કરસે. જોકે તેમણે આ સપ્તાહે એવુ પણ કહ્યું હતું કે, આર્ટિકલ 370ને પરત લેવી જોઈએ અને જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ. તે ઉપરાંત ફારુક અબ્દુલા શ્રીનગરથી દિલ્હી આવવા રવાના થઈ ગયા છે.

7 પોઈન્ટમાં સમજો મીટિંગનું મહત્વ

  • બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી વિશે ચર્ચા થઈ શકે છે. 2018 પછી જમ્મુ-કાશ્મીરમાં કોઈ સરકાર ચૂંટાઈ નથી. 2019ની લોકસભા ચૂંટણી, 2020ની DDC ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરે ભાગ લીધો હતો.
  • બુધવારે જ ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં પરિસીમનના મુદ્દે એક મીટિંગ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના અંદાજે 20 ડેપ્યૂટી કમિશ્નર સામેલ થયા હતા.
  • જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્રીય શાસિત રાજ્ય બનાવવાની સાથે જ અહીં વિધાનસભા સીટો વધારવામાં આવી છે. અહીં 114 સીટ છે. જેમાંથી 24 PoKની છે. એટલે કે હાલના સમયમાં ચૂંટણી માટે અંદાજે 90 સીટો હશે.
  • આ બેઠકમાં માત્ર જમ્મુ-કાશ્મીરના આંતરિક મુદ્દાઓ જ નહીં, પરંતુ તે સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓની પણ ચર્ચા થઈ શકે છે. તેમાં અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાને હટાવવી, લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા કરવામાં આવતી ઘુસણખોરી જેવા મુદ્દાઓ પણ સામેલ છે.
  • મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના 14 પક્ષના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. ગુપકાર ગ્રુપે થોડા દિવસ પહેલાં જ મીટિંગ કરીને નિર્ણય કર્યો હતો કે, તેઓ આ બેઠકમાં સામેલ થશે. તેમાં ફારુક અબ્દુલા, મહેબુબા મુફ્તી અને સજ્જાદ લોન સામેલ હતા.
  • ગુપકાર ગ્રુપ સિવાય કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિ પણ આ મીટિંગમાં સામેલ થવાના છે. કોંગ્રેસ મનમોહન સિંહની આગેવાનીમાં મીટિંગ કરીને તેમાં સામેલ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • મીટિંગમાં વડાપ્રધાન મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, NSA અજીત ડોભાલ સહિત અન્ય સીનિયર અધિકારીઓ પણ સામેલ થશે.

2019થી ચાલી રહી છે રાજકીય અસ્થિરતા
5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટ્સને ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યો- જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધા છે. ત્યારપછીથી રાજકીય સ્થિતિ અસ્થિર થઈ ગઈ છે. મોટાભાગના સીનિયર નેતાઓને ઘણાં સમય સુધી નજરબંધ રાખવામાં આવ્યા હતા. અમુક લોકોને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરની બહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. હવે મોદીની મુલાકાત કેન્દ્ર તરફથી જમ્મુ-કાશ્મીરમાં જમ્બુરિયત જાળવી રાખવા દરેક પક્ષ સાથે વાત કરવાના પ્રયત્ન સ્વરૂપે દેખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here