નવી દિલ્હીઃ દિલ્હી ભાજપના સભ્યપદ માટેના અભિયાનમાં રવિવારે જાણીતી ડાન્સર સપના ચૌધરી પહેલી વખત સભ્ય બનશે. જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપના સભ્ય અભિયાન કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થશે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સભ્ય પદ માટેનું અભિયાન ચલાવી રહી છે અને લોકોને પાર્ટીમાં જોડી રહી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન જ પાર્ટીમાં જોડાવવાની વાત નક્કી હતીઃ દિલ્હી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ સપના ચૌધરી સાથે અને ભોજપુરી ગાયક ખેસારી લાલ સાથે રોડ શો કર્યો હતો ત્યારથી જ સપનાની ભાજપમાં જોડાવવાની વાત નક્કી થઈ ગઈ હતી. તિવારીનો મુકાબલો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષીત અને આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે સાથે હતો. 12મેના રોજ થયેલી ચૂંટણીમાં મનોજ તિવારીએ જીત નોંધાવી હતી.
પહેલા કોંગ્રેસમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતુંઃ આ વર્ષે માર્ચમાં પણ સપનાની તસવીરો પ્રિયંકા ગાંધી સાથે વાઈરલ થઈ હતી. ત્યારબાદથી જ સપના કોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ સપનાએ એ વખતે પણ કોંગ્રેસમાં જોડાવવાથી ઈન્કાર કરી દીધો હતો. સપનાએ ત્યારે કહ્યું હતું કે, તેઓ એક કલાકાર છે અને કોંગ્રેસ સાથે જોડાવવાની કોઈ ઈચ્છા નથી. પ્રિયંકા સાથેના ફોટા અંગેના સવાલ પર સપના કહ્યું કે, હા, હું પ્રિયંકા ગાંધીને મળી હતી પણ તે તસવીર ઘણી જુની છે. સપનાએ વધુમાં એવું પણ કહ્યું કે, તે મનોજ તિવારીના સંપર્કમાં છે.
મહત્વનું છે કે ભાજપે સમગ્ર દેશમાં સભ્ય પદ માટેનું અભિયાન ચલાવી રહ્યાં છે. જેની શરૂઆત 6 જુલાઈએ વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય વિસ્તાર કાશીથી કરી છે. તેમને સ્વચ્છ ભારત મિશન હેઠળ વૃક્ષારોપણ કરીને દેશના લોકોને આ અભિયાનમાં જોડાવવા માટેની અપીલ કરી છે.