પાટીદાર પ્રભુત્વવાળા 6 વોર્ડમાં મતદાન વધ્યું, ભાજપના સિનિયર નેતાઓના વોર્ડમાં મતદાન વધ્યું

0
12

  • નવા મતદારો નિર્ણાયક બનશે : શહેરના પોશ વિસ્તારમાં મતદાન માટે ઉત્સાહની ઊણપ વર્તાઈ
  • દિવસભર વિકાસ, રાંધણગેસ અને ઈ-મેમોનો મુદ્દો ચોરેને ચૌટે ચર્ચાયો
  • અનેક બૂથમાં ક્રોસ વોટિંગ થયું જે અમુક વોર્ડમાં પેનલ પર અસર પાડી શકે

રાજકોટ મહાનગરપાલિકાની 2015ની ચૂંટણીમાં 887300 મતદાતા હતા જ્યારે 2021ની ચૂંટણીમાં 10963991 મતદાતાઓ નોંધાયા હતા. આ ચૂંટણીમાં ગત 2015ની સરખામણીએ 206691 મતદાતા વધ્યા હતા, પરંતુ મતદાનના દિવસે 555159 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ગત 2015માં 447206 મતદાતાઓએ મતદાન કર્યું હતું. આ વખતે 107953 મતદાતાઓએ વધુ મતદાન કર્યું હતું. આ મતદાતાઓ નિર્ણાયક બનશે. આ ઉપરાંત પાટીદાર પ્રભુત્વવાળા છ વોર્ડમાં મતદાન વધ્યું છે જ્યારે ત્રણમાં ઘટાડો થયો છે. આ ચૂંટણીમાં પણ ક્રોસ વોટિંગ થતું હોવાનું ધ્યાન પર આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 72, કોંગ્રેસના 70, આમ આદમી પાર્ટીના 72 ઉમેદવાર મળી કુલ 293 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગમાં 50.75 ટકા મતદાન થયું છે. ગત 2015ની ચૂંટણી કરતા મતદાનમાં 0.71 ટકા મતદાન વધ્યું છે. જેમાં સૌથી ધ્યાન આકર્ષણ કરે તે પાટીદાર પ્રભુત્વવાળા જુદા જુદા પાંચ વોર્ડમાં ગત ચૂંટણી કરતા મતદાન વધ્યું છે. આ વખતે પણ ચાર વોર્ડમાં ક્રોસ વોટિંગ પણ થયું છે. તે કોને લાભ કરાવે છે તે મંગળવારે નક્કી થશે પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોના શ્વાસ ઊંચા કરી દીધા હતા.

આમ આદમી પાર્ટીના ઉમેદવારો એક અથવા બે વોર્ડમાં ત્રીજું પરિબળ નહીં પણ બીજા નંબર પર રહે તેવી સંભાવના છે. મતદાતાઓએ વિકાસની સાથે સાથે ઇ-મેમો, પેટ્રોલ, ડિઝલના ભાવવધારા સહિતના મુદ્દાઓને ધ્યાને રાખી મતદાન કર્યું છે. બીજી તરફ શહેરના પોશ વિસ્તારમાં ઉત્સાહની ઊણપ વર્તાતી હતી.

ભાજપના સિનિયર નેતાઓના વોર્ડમાં મતદાન વધ્યું

ભાજપે સિનિયર નેતાઓને પડતા મુક્યા છે તે વોર્ડમાં પણ મતદાન વધતા મતદાતાઓએ સિનિયર હોય કે જુનિયર તેને કંઇ ફેર પડતો નથી તેવું સાબિત કર્યું છે. પાટીદાર પ્રભુત્વવાળા વોર્ડ 4માં ગત ચૂંટણીમાં 53.21 ટકા સામે આ વર્ષે 57.59 ટકા, વોર્ડ નં.5માં 52.49 ટકા સામે આ વર્ષે 54.17 ટકા મતદાન થયું છે. વોર્ડ નં.6માં 54.17 ટકા સામે 54.56 ટકા મતદાન, વોર્ડ નં.8માં 44.94 ટકા સામે 49.98 ટકા મતદાન, વોર્ડ નં.9માં 45.10 ટકા સામે 48.46 ટકા, વોર્ડ નં.10માં 45.53 ટકા સામે 50.04 ટકા, મતદાન થયું હતું, જ્યારે ત્રણ વોર્ડમાં ઓછું મતદાન થયું હતું જેમાં વોર્ડ નં.11માં 53.48 ટકા સામે 51.98 ટકા, વોર્ડ નં.12માં 53.48 ટકા સામે 51.98 ટકા અને વોર્ડ નં.18માં 57.41 ટકા સામે 51.05 ટકા મતદાન થયું હતું. સિનિયરોને પડતા મુક્યા તે વોર્ડમાં પણ મતદાન વધ્યું છે. જેમાં વોર્ડ નં.4માં 53.21 ટકા મતદાન સામે આ વખતે 57.59 ટકા, વોર્ડ નં.5માં 52.49 ટકા સામે 54.17 ટકા મતદાન, વોર્ડ નં.7માં 42.72 ટકા સામે 48.75 ટકા મતદાન ,વોર્ડ નં.8માં 44.94 ટકા મતદાન સામે 49.98 ટકા મતદાન, વોર્ડ નં.9માં45.10 ટકા સામે 48.46 ટકા અને વોર્ડ નં.14માં 46.08 ટકા સામે 48.28 ટકા મતદાન થયું હતું.

છેલ્લી ત્રણ કલાક કાર્યકરો ઘરે-ઘરે દોડ્યા

પ્રથમ બે કલાકમાં 5.93 ટકા મત પડ્યા હતા, ત્યારબાદ ધીમી ગતિએ મતદાન ચાલુ રહ્યું હતું. બપોરે 1 થી 3 દરમિયાન સૌથી વધુ 10.60 ટકા મત પડ્યા હતા. મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નહોતો, મતદાન કરીને બહાર આવતા મતદારોએ મતદાન વખતે વિકાસ, મોંઘવારી, ગેસ-પેટ્રોલના ભાવ અને ઇ-મેમોના મુદ્દાને ધ્યાને લઇને મતદાન કર્યાનો નિર્દેશ આપ્યો હતો. ભાજપે આ ચૂંટણીમાં સિનિયરોને કાપીને નવા ચહેરાને ટિકિટ આપી હતી, યુવા મતદારોને આકર્ષવામાં આ ગણિત સફળ થશે તેવું ખુદ ભાજપના ઉમેદવારો અને કાર્યકરો માનતા હતા, પરંતુ મતદાનથી યુવા વર્ગ દૂર રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. કોંગ્રેસમાં શહેર કક્ષાએ ફરીથી સંકલનનો અભાવ જોવા મળતો હતો પરંતુ ઉમેદવારો પોતાની શક્તિ મુજબ મતદાન કરાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here