પોરબંદર: મંગળવારે સવારે દસેક વાગ્યાના અરસામાં માધવપુરના ચામુંડ ટીમ્બા વાડી વિસ્તારમાં દીપડાનું બચ્ચું આવી ચડ્યું હતું. ત્યારે આ બચ્ચું લોકોની નજરે ચડતા લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકો દીપડાને જોવા માટે દોડી ગયા હતા અને લોકોએ દીપડાને ભગાડવા માટે પથ્થરો ફેંકી બૂમાબૂમ કરતા હતા અને હાથમાં ડાંગ-લાકડી લઈને ધસી ગયા હતા અને દીપડાના બચ્ચાની પાછળ પડતા દીપડાનું બચ્ચું ઉગ્ર બની ગાંડોતૂર બન્યું હતું અને આમ-તેમ દોડાદોડી કરતું હતું.
ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ ઓફિસર દોડી આવ્યા
તાત્કાલીક માધવપુરના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર જે.એ. નંદાણીયા અને તેમની ટીમ પહોંચી ગઈ હતી અને આ દીપડાના બચ્ચાનું લોકેશન મેળવ્યું હતું. પરંતુ ફોરેસ્ટ ઓફિસર હાજર હતા તે દરમિયાન પણ લોકોએ પથ્થરના ઘા કરી દીપડાના બચ્ચાને પરેશાન કર્યું હતું. આમ છતાં ફોરેસ્ટ ઓફિસર નંદાણીયાએ લોકોને પથ્થરોના ઘા કરતા રોક્યા ન હતા. આથી એક સામાજીક કાર્યકરે પોલીસને બોલાવતા માધવપુરના PSI સીદી સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલીક એકઠા થયેલા લોકોને ત્યાંથી દૂર ખસેડ્યા હતા.
દીપડાના બચ્ચાનું લોકેશન મળતું નથી: ફોરેસ્ટ ઓફિસર
હું અને અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ લોકો પથ્થર ફેંકતા હતા જેથી આ દીપડાનું બચ્ચું ભાગી ગયું છે. એ સ્થિર થતું નથી જેથી લોકેશન મળતું નથી. લોકેશન મળે એટલે તાત્કાલીક પિંજરૂં મૂકવામાં આવશે.- જે.એ. નંદાણીયા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર
વન્ય જીવોને પથ્થર મારીને ઉશ્કેરવા ન જોઈએ: પર્યાવરણપ્રેમી
વન્ય જીવો ઉપર લાકડી અને ડાંગ લઈને બૂમો પાડવી અને પથ્થરમારો કરવો તે બહુ ખરાબ બાબત છે. નાના બચ્ચા ઉપર પથ્થરો ફેંકતા જોઈને ફોરેસ્ટ વિભાગ પણ ચૂપ હતું. વન્યપ્રાણી દીપડો હોય કે સિંહ હોય તે હુમલા કરતું નથી. પરંતુ તેને છંછેડવામાં આવે તો જ તે હુમલો કરે છે. જેથી લોકોએ વન્ય જીવોને પથ્થર મારીને ઉશ્કેરવા ન જોઈએ. -ગોવિંદભાઈ વેકરીયા, પર્યાવરણપ્રેમી