ભારતીય ક્રૂ મેમ્બર સામે ઓવરસ્પીડના કેસની શક્યતા, સુએઝમાં ફસાયેલું જહાજ અઠવાડિયા પછી મુક્ત થયું

0
3

એવરગ્રીન નામનું જહાજ ફસાઈ જવાથી બ્લોક થયેલી સુએઝ કેનાલ ફરીથી ખુલી છે. ૨૩મી માર્ચે ફસાયેલું જહાજ સોમવારે ફરી તરતું થયું હતું. ગયા અઠવાડિયે સુએઝમાંથી પસાર થઈ રહેલું જહાજ આડુ થઈ જતા કેનાલમાં ફસાઈ ગયું હતું. કેનાલ ૨૪ મીટર ઊંડી અને ૨૦૫ મીટર પહોળી છે. તેની સામે તાઈવાનની કંપનીનું આ જહાજ ૪૦૦ મીટર (૧૩૧૨ ફીટ) લાંબુ છે.

તપાસ દરમિયાન આ જહાજ ઓવર સ્પીડમાં હોવાથી ફસાયુ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. આ કન્ટેનર જહાજ છે અને તેના તમામ ૨૫ ક્રૂ મેમ્બર્સ ભારતીય છે. જહાજ કેનાલમાંથી પસાર થાય ત્યારે તેણે ૭.૬ નોટિકલ માઈલ (૧ નોટિકલ એટલે ૧.૮૫ કિલોમીટર) થી લઈને ૮.૬ નોટિકલ માઈલની નિર્ધારિત સ્પીડમાં ચાલવાનું હોય છે. કેમ કે કેનાલ સાંકડી હોવાથી અકસ્માતનો ભય રહે છે. તેના બદલે આ જહાજ ૧૩.૫ નોટિકલ માઈલની ઝપડે આગળ વધતું હતું. એ વખતે જ રેતીનું તોફાન આવતા જહાજની દિશા બદલાઈ હતી અને ફસાઈ ગયું હતું. એ વખતે કેનાલ વિસ્તારમાં પવનની ઝડપ પણ ખાસ્સી ૪૦ નોટિકલ માઈલ હતી.

અમેરિકા અને યુરોપથી એશિયા તરફ આવનારા તમામ જહાજો સુએઝમાંથી પસાર થાય છે. એટલે સુએઝમાં ખાસ્સો ટ્રાફીક રહે છે. કેનાલ ઓથોરિટીના અંદાજ મુજબ જાહાજ ફસાઈ જવાથી કેનાલને રોજનું ૧.૫ કરોડ ડૉલરનું નુકસાન થયું છે. તો વળી વિશ્વ વેપારને ૬થી લઈને ૧૦ અબજ ડૉલર સુધીના નુકસાનનો અંદાજ છે. રોજના સરેરાશ ૫૧ જહાજો આ કેનાલમાંથી પસાર થાય છે. આ જહાજ ફસાઈ જવાથી કેનાલમાંથી પસાર થવા માંગતા અંદાજે ૪૫૦ જહાજ બન્ને છેડે ફસાઈ ગયા છે. હવે ધીમે ધીમે તે આગળ વધી શકશે. જહાજને હટાવવા માટે ૧૪ ટન નૌકા કામે લગાડાઈ હતી જ્યારે જ્યાં જહાજના છેડા ફસાઈ ગયા હતા, ત્યાં ૩૦ હજાર ઘન મીટર માટી ખોદવી પડી હતી. ૨૦૧૮માં તરતા મુકાયેલા આ જહાજની ગણતરી જગના સૌથી મોટા કન્ટેનર જહાજોમાં થાય છે. જહાજ ફસાયું ત્યારે તેનું વજન અંદાજે ૨ લાખ ટન હતું અને તેના પર ૧૮૩૦૦ કન્ટેનર ફીટ થયેલા હતા. જો જહાજ નીકળ્યું ન હોત તો કન્ટેનર ઉતારવા પડયા હોત.

કદાવર જહાજો હંમેશા કાંઠાથી દૂર પાર્ક થતાં હોય છે. કેમ કે એ ફસાય જાય તો ભારે મુશ્કેલી સર્જાય. સુએઝ ક્રાઈસિસ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે. જહાજ ફરી તરતું થયું છે, પરંતુ સાવ મુક્ત થયું નથી. એટલે હજુ પણ નહેરમાં ટ્રાફિક થોડા દિવસ સુધી ધીમો ચાલશે. આ જહાજ કાઢી શકાયુ એ એક મોટી સિદ્ધિ છે. તેમાં માનવીય મહેનત ઉપરાંત સમુદ્રની ઉંચી લહેરોનો પણ ફાળો છે.

સુએઝ નહેર : ફેક્ટ ફાઈલ

– રોજના ૯.૬ અબજ ડૉલરનો માલ-સામાન કેનાલમાંથી પસાર થાય છે.

– યુરોપ-અમેરિકાથી આવતું જહાજ જો કેનાલને બદલે આફ્રિકા ખંડને ચક્કર મારીને આવે તો સામા છેડે પહોંચતા સરેરાશ ૩૪ દિવસ લાગે અને ૨૫ હજાર કિલોમીટરની સફર કરવી પડે. સુએઝમાંથી પસાર થાય તો એ સફર ૨૫ દિવસમાં પતે અને ૧૮ હજાર કિલોમીટરનો પ્રવાસ કરવો પડે.

– કેનાલ ૧૯૪ કિલોમીટર લાંબી અને ૨૦૫ મીટર પહોળી તથા ૨૪ મીટર ઊંડી છે.

– કેનાલ ૧૮૬૯માં બની હતી અને ૨૦૧૫માં તેને વધારે પહોળી કરવાની કામગીરી શરૂ કરાઈ હતી.

– આ નહેરમાંથી પસાર થતા દરેક જહાજનું સંચાલન નહેર દ્વારા નિર્ધારિત પાઈલટો જ કરે છે. ફસાયેલા જહાજનું સંચાલન પણ નહેરના બે પાઈલટોના હાથમાં હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here