સુરત : વરાછામાં વીજ બીલના વિરોધમાં વીજ કંપનીના અધિકારીઓને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનર લાગ્યા

0
3

સુરત. લોકડાઉન દરમિયાન બેફામ વીજ બીલ ફટકારવામાં આવતા વરાછા વિસ્તારમાં 42થી વધુ સોસાયટીના પ્રમુખની મિટિંગ ખોડીયાર નગર રોડ પર આવેલ તેજેન્દ્ર પાર્ક સોસાયટીમાં મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું તમામ સોસાયટીના ગેટ ઉપર વીજ કંપનીના વિરોધમાં બોર્ડ મારી તેમને અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. જ્યાં સુધી બીલ રેગ્યુલર આવતા હતા એ પ્રમાણે આવે નહીં અને સિક્યુરિટી ડિપોઝિટના રૂપિયા ચઢાવ્યા છે તે અને બંધ મકાનોના બિલ પણ આવ્યા છે તે જ્યાં સુધી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 100 યુનિટ બાદ નહી આપે ત્યાં સુધી ટોરેન્ટનો વિરોધ કરવાનો છે એવું નક્કી કરવામાં આવ્યું છે.

બીલમાં રાહત નહીં મળે ત્યાં સુધી બીલ નહીં ભરવાનું એલાન

આશાપુરી સોસાયટીના પ્રમુખ નિલેશભાઈએ જણાવ્યું હતું કે, સરેરાશ 1800થી 2000નું બીલ આવતું હતું એમને 10 હજારનું બિલ ફટકારવામાં આવ્યું છે. વરાછા રોડ ખોડિયાર નગરની 42થી વધુ સોસાયટીના રહીશોને ટોરેન્ટ વીજ કંપની દ્વારા બેફામ બિલ ફટકારવામાં આવ્યા છે. તમામ સોસાયટીઓ પ્રમુખો ભેગા મળી લડત આપવા નક્કી કર્યું છે. જ્યાં સુધી બીલમાં રાહત નહીં મળે ત્યાં સુધી બીલ નહીં ભરવાનું એલાન કરવામાં આવ્યું છે.