PMJAY યોજના હેઠળ પેમેન્ટની ચુકવણીમાં થઈ રહેલા વિલંબને કારણે PMJAY એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશને 26 થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ રાખવાની જાહેરાત કરી છે. આ બંધમાં જોડાવા માટે 400 જેટલી હોસ્પિટલોએ સંમતિ આપી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પેનલ્ડ થયેલી ખાનગી હોસ્પિટલોને સરકાર દ્વારા તેમના બાકી નીકળતા નાણાં ન ચુકવાતા વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ છે અને 26 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન આ યોજના હેઠળ એકપણ સારવાર ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. ખાનગી હોસ્પિટલોના આ નિર્ણયથી કિડની, હ્રદય રોગ જેવા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
આ યોજનાના બિલોની રકમ બાકી હોવાથી ખાનગી હોસ્પિટલોએ આ નિર્ણય જાહેર કર્યો છે. PMJAY એમ્પેનલ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતે જણાવ્યુ છે કે શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓની હાલાકી પડવાની શક્યતા છે. આ એસોસિએશને સત્વરે તેમના નાણાંની ચુકવણી થાય તે અંગે રજૂઆત કરી છે.
800 કરોડનું પેમેન્ટ બાકી હોવાનો પ્રાઈવેટ હોસ્પિટલ એસો.નો દાવો
એસોસિએશનના જણાવ્યા મુજબ મા યોજનામાં 300 કરોડથી વધુનું પેમેન્ટ અને PMJAY યોજનામાં 500 કરોડનું ચુકવણુ બાકી છે. એસોસિએશનનું કહેવુ છે કે આ અંગે તેમણે મીડિયા સમક્ષ આવી જાહેરમાં માગણી કર્યા બાદ સરકાર દ્વારા માત્ર 10 ટકા જેટલુ પેમેન્ટ કરવામા આવ્યુ છે. તેમનુ કહેવુ છે કે હોસ્પિટલો ચલાવવામાં તોતિંગ ખર્ચ આવતો હોય છે અને આ પેમેન્ટ હોસ્પિટલો ચલાવવા માટે પુરતુ નથી.આ યોજના અંતર્ગત સરકારે કેટલીક ખાનગી વીમા કંપનીન સારવારની નાણાની ચુકવણી માટે મીડિએટર તરીકે અને મોનિટરિંગ વોચ માટે રાખી છે. આ એસોસિએશનના કુલ 800 કરોડ જેટલા નાણાં ન ચુકવાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સરકારે બંધનું એલાન આપનારા ખાનગી હોસ્પિટલોના એસોસિએશનના અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા હતા પરંતુ ચર્ચા બાદ પ્રશ્નોના નિરાકરણ અંગે સરકાર તરફથી કોઈ બાંહેધરી ન મળતા બેઠક નિષ્ફળ રહી હતી. જે બાદ હવે 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન આ ખાનગી હોસ્પિટલો PMJAY યોજના હેઠળ સારવારથી અળગી રહેશે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં PMJAY એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત અંતર્ગત 790 જેટલી ખાનગી હોસ્પિટલો છે. જેમની ફરિયાદ છે કે સરકાર દ્વારા ઈન્સ્યોરન્સ કંપનીઓએ પેમેન્ટની ચુકવણી નથી થતી અને વીમા કંપનીઓ હોસ્પિટલોને ચુકવતી નથી.
જો કે હાલ કેટલુ પેમેન્ટ બાકી છે તેને લઈને પણ મડાગાંઠ ઉભી થઈ છે. હોસ્પિટલ એસો.નું કહેવુ છે કે 800 કરોડનું ચુકવણુ બાકી છે. જ્યારે સામે પક્ષે સરકારનું કહેવુ છે કે આટલી મોટી રકમ બાકી નથી.
હોસ્પિટલ એસોસિએશનની રજૂઆત છે કે બાકી પેમેન્ટના કારણે પોતે જ વેન્ટીલેટર પર આવી ગઈ હોય તેવી સ્થિતિ છે. વીમા કંપની દ્વારા પણ પેમેન્ટની ચુકવણીમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો ચાલુ છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પરિણામ આવ્યુ નથી. જેના કારણે નાછુટકે 26થી 29 ફેબ્રુઆરીએ ચાર દિવસ માટે PMJAY યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે.