ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભા ગૃહમાં ઈ-સિગારેટ બિલની ચર્ચા પર રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેદીઓના પુન:વસનની વાત કરતા કહ્યું હતું કે, હું બુટલેગરોને પણ મળ્યો છું. બીજી બાજુ નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતના લોકોની પેઇંગ કેપેસિટી વધારે હોવાથી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું વધુ પસંદ કરે છે.
રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઇ-સિગારેટના બિલ પર કોંગ્રેસના ધારાસભ્યોના દારૂ વિશેના આક્ષેપનો જવાબ આપતા કહ્યું હતું કે, હું જેલના કેદીઓને પુન:વસનની યોજના હેઠળ બુટલેગરોને પણ મળ્યો હતો. મે તેમની સમસ્યા અને વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો, તેમને પણ દારૂનો ધંધો છોડવો હોય છે, સામાજિક રીતે તેમને પણ સારું લાગતું નથી.
આવા સંજોગોમાં તેમને રોજગારીની તક ઉપલબ્ધ થાય તેટલા માટેના પ્રયાસ કરવા મે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયને પણ કોઇ યોજના બનાવવાની અપીલ કરી છે. પ્રદિપસિંહ જાડેજાએ એવો હુંકાર કર્યો હતો કે, અમારી સરકાર દારૂ, ચરસ જેવી બદીઓને મિટાવવા માટે કટિબદ્ધ છે અને તેમાં કોઇની પણ શેહશરમ રાખ્યા વગર પગલા ભરવા તત્પર છે.
રાજ્યમાં પેઇંગ કેપેસિટી વધારે હોવાથી લોકો ખાનગી હોસ્પિટલો વધુ પસંદ કરે છે: પટેલ
મા યોજનામાં ખાનગી હોસ્પિટલોને સામેલ કરીને પ્રોત્સાહિત કરવાને બદલે સરકારી હોસ્પિટલોમાં જ સુપર સ્પેશિયાલિટી સુવિધા ઊભી કરવા અંગે કોંગ્રેસે મુદ્દો ઉઠાવતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકોની પેઇંગ કેપેસિટી વધારે હોવાથી દર્દીઓમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું ચલણ વધારે છે.