સુરત : ડિંડોલીમાં ઘર કંકાસમાં સગર્ભા પત્નીએ પતિની હત્યા કરી, ધર્મના ભાઈએ પણ સાથ આપ્યો

0
7

સુરત. ડિંડોલીમાં ઘર કંકાસથી કંટાળેલી ત્રણ પુત્રીની માતા એવી સગર્ભા પત્નીએ પતિની હત્યા કરી હતી. જેમાં 17 વર્ષીય ધર્મના ભાઈએ પણ સાથ આપ્યો હતો. પહેલા પતિને ધક્કો મારતા પડી ગયા બાદ મરચા વાટવાના પથ્થરની મદદથી માથામાં મારી હત્યા કરી હતી. ડિંડોલી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરવા અને તેના ધર્મના ભાઈની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે.

સાત માસથી ડિંડોલીમાં રહેતો હતો

મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારનો વતની અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા દિપકનગરમાં પંકજ રામસ્વરૂપ ગુપ્તા ( ઉ.વ.42 ) પત્ની સોની અને ત્રણ પુત્રીઓ પૈકી બે પુત્રી સાથે છેલ્લા સાત માસથી ભાડેથી રહેતો હતો. કિન્નરી સિનેમા નજીક જરીના કારખાનામાં કામ કરતા પંકજની સાથે કામ કરતો મૂળ બિહારનો 17 વર્ષનો કિશોર પંકજની પત્નીને ધર્મની બહેન અને પંકજને બનેવી માનતો હતો અને તેમની જ સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો.

ચહેરો અને માથું લોહીથી ખરડાયેલું મળ્યું

કિશોરે પંકજના મોટા ભાઈ સુબોધને ફોન કરી જીજાજી પંકજની તબિયત સારી નથી, જલ્દી આવો તેમ કહ્યું હતું. ત્યારબાદ ફોન કટ કરી દીધો હતો. સુબોધે વળતો ફોન કરતા ભાભી સોનીએ ફોન ઊંચક્યો હતો અને પંકજના મોત અંગે જાણ કરી ઝડપથી આવવા કહ્યું હતું. લોકડાઉન હોય સુબોધ એક મિત્રની મદદથી ભાઈના ઘરે પહોંચ્યો તો પોલીસ પણ હતી. ઘરમાં જઈ જોયું તો પંકજ મૃત હાલતમાં લાદી ઉપર પડેલો હતો અને ચહેરો તેમજ માથું લોહીથી ખરડાયેલું હતું.

ઝઘડા બાદ હત્યા કરી

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, પંકજ હાલ 6 માસની ગર્ભવતી પત્નીને માર મારતો હોય પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. નાની નાની વાતમાં ઘરકંકાસ ચાલતો હોય પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સોનીએ ધર્મના ભાઈને વચ્ચે પાડ્યો હતો. દરમિયાન ધક્કો લાગતા પંકજ નીચે પડી ગયો ત્યારબાદ બંનેએ મરચાં વાટવાના પથ્થરની મદદથી માથામાં મારી હત્યા કરી હતી.

મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી

પંકજની અંતિમક્રિયા કર્યા બાદ સુબોધે પંકજની પત્ની સોની અને તેના 17 વર્ષીય ધર્મના ભાઈ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરવા અને તેના ધર્મના ભાઈની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here