રાજનીતિ : રાજ્યની 8 વિધાનસભાની પેટાચૂંટણી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં યોજવા તૈયારીઓ

0
3

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો આપવા માટે કૉંગ્રેસના 8 પૂર્વ ધારાસભ્યએ ધારાસભ્યપદેથી રાજીનામાં આપી દીધા હતા. જેથી આ બેઠકોની પેટા ચૂંટણી છ મહિનામાં કરવી પડશે. જેને પગલે પેટાચૂંટણી યોજવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જે 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.તેમાં કચ્છની અબડાસા (પ્રદ્યુમનસિંહ જાડેજા), સુરેન્દ્રનગરની લીંબડી(સોમા ગાંડા પટેલ), મોરબી(બ્રિજેશ મેરજા), અમરેલીની ધારી(જેવી કાકડીયા), બોટાદની ગઢડા(પ્રવીણ મારુ), વલસાડની કપરાડા(જીતુ ચૌધરી), વડોદરાની કરજણ(અક્ષય પટેલ) તેમજ ડાંગ(મંગળ ગાવિત) બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો ધારાસભ્યએ પક્ષ અને પદ પરથી રાજીનામા આપવાના કારણે ખાલી પડી છે.

બોટાદ-લીંબડી બેઠક પર વિચારણા, અન્ય બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ MLAને ટિકિટ

આ સિવાય મોરવાહડફ, દેવભૂમિ દ્વારકા અને ધોળકાની બેઠક સબ જ્યુડિશિયલ છે. જેની ચૂંટણીનો આધાર કોર્ટ દ્વારા આપવામાં આવતા નિર્ણયોને આધીન રહેશે.

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા મોટાભાગે કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે. બોટાદ અને લીંબડી આ બે બેઠક વિચારણાને આધિન છે. બોટાદમાં આત્મારામ પરમાર પણ દાવેદારી કરે છે તો લીંબડીમાં કિરીટસિંહ રાણાની પણ દાવેદારી હોવાનું ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળે છે.

કોંગ્રેસે નવા મુરતિયા શોધવા પડશે

બીજી બાજુ કોંગ્રેસે તમામ બેઠકો માટે નવા મુરતિયા શોધવા પડશે. કારણ અગાઉ કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા ધારાસભ્યોએ પાર્ટીની કાર્યપ્રણાલી અને અવગણનાને ધ્યાનમાં રાખીને છેડો ફાડ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.