Wednesday, August 4, 2021
Homeઅમદાવાદસ્કૂલ-કોલેજો શરૂ કરવાની તૈયારીઓ:કોરોના સંક્રમણ ઘટવા લાગતાં રાજ્યમાં 15 જાન્યુઆરીથી સ્કૂલ-કોલેજો શરૂ...

સ્કૂલ-કોલેજો શરૂ કરવાની તૈયારીઓ:કોરોના સંક્રમણ ઘટવા લાગતાં રાજ્યમાં 15 જાન્યુઆરીથી સ્કૂલ-કોલેજો શરૂ થઈ શકે, ધો.10-12 સિવાયનાં ધોરણોને માસ પ્રમોશન મળવાની શક્યતા

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં દિવાળી તહેવારો બાદ કોરોના બેકાબૂ બનતાં 23 નવેમ્બરે સ્કૂલ-કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે હવે રાજ્યમાં કોરોનાના દૈનિક કેસો 1500ને બદલે 1000 આસપાસ આવી રહ્યા હોવાથી જાન્યુઆરીમાં સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવે એવી શક્યતાઓ છે. તમામ સ્કૂલ અને કોલેજો 15મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવે એવા સંકેત મળી રહ્યા છે. એની સાથે સાથે ધોરણ 10-12ની પરીક્ષાઓ લેવા અંગે પણ કોઈ મહત્ત્વપૂર્ણ લેવાઈ શકે છે. જ્યારે અન્ય ધોરણોમાં માસ પ્રમોશન આપવા પર વિચારણા કરવામાં આવી રહી છે. આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ કેબિનેટમાં નિર્ણય લે એવી પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને કારણે 19 માર્ચથી સ્કૂલ-કોલેજો બંધ છે. જોકે હાલ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે.

સરકાર-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા
આ પહેલાં 11 નવેમ્બરે રાજ્યમાં ધોરણ 9થી 12ના વર્ગો 23 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ્સ અને કોલેજોમાં ઓડ-ઈવન પદ્ધતિથી શિક્ષણકાર્ય ફરી શરૂ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયની જાહેરાત કરતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલને સંમતિ પત્ર આપવો પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું. શિક્ષણમંત્રીના આ નિવેદનને કારણે રાજ્ય સરકારની આ નીતિ જોતાં કોરોનાકાળમાં સરકાર કે સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે.

સ્કૂલો શરૂ કરવાને લઈને વાલીમંડળમાં શરૂઆતથી જ રોષ હતો
ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલીમંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો, જેને કારણે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ-કોલેજો 23મી નવેમ્બરથી ચાલુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

 • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
 • વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
 • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
 • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.
 • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.
 • રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
 • આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.
 • બાકીનાં વર્ગો-ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.
 • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
 • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
 • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
 • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
 • સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
 • આ હેતુસર રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
 • વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
 • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
 • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
 • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments