રજૂઆત : રાજુલાના ધારાસભ્યના ઉપવાસ આંદોલનના સમર્થનને લઈ ધારાસભ્ય દ્વારા ધરણા

0
0

રાજુલાના કોંગેસ ધારાસભ્ય અંબરીશ ડેરના રેલવેની જમીનનો કબ્જો લેવા 16 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. જેના સમર્થનમાં અને ગીર સોમનાથ જિલ્લાના ઉનાના રેલવેના પ્રશ્નો બાબતે આજે ઉનાના કોંગેસી ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ધરણા કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગીર સોમનાથ અને ઉના પંથકના રેલવેને લગતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માંગ

આજે ઉનામાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ઉના-ગીરગઢડા પંથકના કોંગેસ આગેવાનો અને કાર્યકરોએ પ્રથમ ઉનામાં રેલવે સ્ટેશનના પાટા પર બેસી ધરણા પર બેસી “રાજુલામાં રેલવેની જમીન પાલીકાને સોપો…. ઉનાને રેલવે સુવિધા પૂરી પાડો” ના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવેલુ કે, રાજુલા શહેરની મધ્યમાં રેલવેની પડતર જમીનમાં બગીચો અને વોક-વે બનાવવા રાજુલા પાલીકા સાથે રેલવેએ કરાર કરેલો હોવા છતાં જમીનનો કબજો ન મળેલો હોવાથી રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર 16 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યાં છે. પ્રજાના હિતાર્થે ચાલુ કરેલા આંદોલનને અમારો સંપૂર્ણ ટેકો છે. રાજુલા પાલિકાને રેલવેની પડતર જમીનનો કબજો મળે તેવી માંગણી છે. ઉપરાંત ગીર સોમનાથ અને ઉના પંથકના રેલવેને લગતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માંગણી છે.

ઉના રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવા માંગ કરાઇ

જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ અને વેરાવળ-દેલવાડા-વેરાવળ ટ્રેનો ઘણા લાંબા સમયથી બંધ હોવાથી ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સામાજીક, આર્થિક, આરોગ્ય વગેરે કામસર જુનાગઢ-વેરાવળ-ઉના ખાતે જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વેરાવળ-કોડીનાર બંધ કરેલા પેસેન્જર ટ્રેન પણ પુનઃચાલુ કરવી જોઈએ. રેલવે તંત્ર દ્વારા દેશના વિવિધ રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરી આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ઉના રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરી આધુનિક સુવિધાઓવાળુ બનાવવું જોઈએ.

અપડાઉન કરતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

અગાઉ ઉના મુખ્ય રેલવે સ્ટેશન હતું તેને બદલીને ઉનાને ફલેગ સ્ટેશન બનાવી દેવામાં આવેલુ છે. ઉના એ મુખ્ય સેન્ટર છે ત્યારે ઉનાને પુનઃ મુખ્ય રેલવે સ્ટેશન બનાવવું જોઈએ. કોરોનાના કારણે દેશભરમાં લદાયેલા લોકડાઉનથી સમગ્ર દેશમાં ટ્રેનો મર્યાદિત સંખ્યામાં ચાલુ હતી. ઉના ખાતે આવતી લોકલ ટ્રેનો કોરોના મહામારીના સમયથી આજદિન સુધી બંધ છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જ્યારે સ્થિતિ ધીમેધીમે પૂર્વવત થઈ રહી છે. ત્યારે ઉના અને દેલવાડા ખાતે આવતી લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી કોરોનાની ગાઈડલાઈન મુજબ પુનઃ ચાલુ કરવા માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here