અમેરિકામાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા ગયેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ આમોલ કાલેનું હાર્ટ એટેકથી મોત થતાં શોક વ્યાપ્યો હતો.અમેરિકામાં પાકિસ્તાન સામે ભારતની ખુશી ગમમાં ફેરવાઈ છે. ન્યૂયોર્કમાં મેચ જોવા ગયેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આમોલ કાલેનું હાર્ટ એટેકથી અવસાન થતાં ક્રિકેટ જગતમાં શોકની લહેર દોડી ગઈ હતી. આમોલ કાલે ખાસ ભારત-પાકિસ્તાનની મેચ જોવા ન્યૂયોર્ક ગયાં હતા પરંતુ આ ખુશીનો પ્રસંગ તેમના જીવનનો અંતિમ બની રહ્યો અને તેઓ દુનિયા છોડીને ચાલ્યાં ગયા. તેઓ જ્યારે ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યાં હતા બરાબર ત્યારે તેમની તબિયત ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવા પર હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાયું હતું.
આમોલ કાલે ગત વર્ષે જ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ બન્યા હતા. બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસના નજીકના આમોલ કાલેએ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંદીપ પાટીલને હરાવ્યા હતા. શેલાર અને ફડણવીસ ઉપરાંત આમોલને NCP (શરદ પવાર)ના વડા શરદ પવારનું સમર્થન પણ મળ્યું હતું. શરદ પવાર અને આશિષ શેલાર એમસીએના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જ્યારે અમોલ કાલે ઉપપ્રમુખ પદે રહ્યા છે.