રાષ્ટ્રપતિનું કાલે રાજકોટમાં ટૂંકુ રોકાણ, આજે એરપોર્ટ પર 5 હેલિકોપ્ટરનું રિહર્સલ

0
15

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની આવતીકાલે શુક્રવારે રાજકોટ આવી રહ્યાં છે. રાજકોટ એરપોર્ટ અને સર્કિટ હાઉસ ખાતે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના કાફલા સાથે 70 જેટલા અન્ય કર્મચારીઓ રાજકોટ આવી પહોંચ્યા છે જે તમામની રહેવા-જમવા સહિતની સગવડતાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને રાજકોટ એરપોર્ટ પર આજે સવારે જ સુરક્ષાના ભાગરૂપે પાંચ હેલિકોપ્ટર રિહર્સલ કરી રહ્યાં છે. તેમજ એરપોર્ટ પર બંદોબસ્તમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. રાજકોટ સિવીલ હોસ્પિટલનો ત્રીજો માળ ઈમરજન્સી માટે સંપૂર્ણ રિઝર્વ રાખવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ પત્ની સાથે આવતીકાલે બપોરે 12.55 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે

રામનાથ કોવિંદ અને તેમના પત્ની શુક્રવારે રાજકોટ એરપોર્ટ પર બપોરે 12.55 વાગ્યે ખાસ બોઈંગ વિમાન દ્વારા દિલ્હીથી ઉતરાણ કરશે. અહીં તેમનું ગુજરાત રાજ્યના ટોચના મુખ્ય સચિવ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ સ્વાગત કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટ પર માત્ર 10 મિનીટ રોકાશે અને ત્યારબાદ દિવ મહોત્સવમાં જવા માટે ખાસ હેલિકોપ્ટરથી રવાના થશે.

ગુજરાત સરકારના પાંચ હેલિકોપ્ટર રાજકોટ મોકલવામાં આવ્યા

રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિના આગમન સંદર્ભે સર્કિટ હાઉસમાં તેમના માટે ચાર શ્યુટ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સાથોસાથ કદાચ જમવાની વ્યવસ્થા કરવી પડે તો તે પણ ઉપલબ્ધ કરવા તૈયારીઓ રાખવામાં આવી છે. જો કે રાષ્ટ્રપતિના જમવા માટેની તમામ વ્યવસ્થા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવનાર છે અને હાલના તબક્કે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની ઓનબોર્ડ એટલે કે હેલિકોપ્ટરમાં જ બપોરનું લંચ લેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના આગમન પૂર્વે ગુજરાત રાજ્ય સરકારના પાંચ હેલિકોપ્ટર રાજકોટ મોકલવામાં આવ્યા છે. દિલ્હીથી ખાસ પાંચ જેટલા સ્કવોડન લીડર મેજરો રાજકોટ આવી પહોંચ્યા છે. જે તમામ રાષ્ટ્રપતિની સુરક્ષાનો હવાલો સંભાળી રહ્યા છે.

રાજકોટ એરપોર્ટ પર મિનીટ ટુ મિનીટ રિહર્સલ

રાજકોટ ખાતે 10 મિનીટના રોકાણ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની માટે અન્ય કોઈ આકસ્મિક જરૂરિયાત ઉભી થાય તો મેડિકલ ઈમરજન્સી માટે સિવીલ હોસ્પિટલનો ટ્રોમા સેન્ટર પરનો ત્રીજો માળ સંપૂર્ણ પણે રિઝર્વ રાખવામાં આવ્યો છે. તમામ ફેકલ્ટીના તબીબોને સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યા છે. તમામના RT-PCR ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અને તેમના પત્નીના બ્લડ ગ્રુપની બોટલો પણ તૈયાર રાખવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રપતિના રાજકોટ એરપોર્ટ ખાતેના આગમન પૂર્વે આજે મિનીટ ટુ મિનીટ મેગા રિહર્સલ યોજવામાં આવ્યું છે. જેમાં રાજકોટ પોલીસ, એરપોર્ટ ઓથોરિટી, જિલ્લા કલેકટર તંત્ર, માર્ગ અને મકાન વિભાગ, સિવીલ હોસ્પિટલ, 108 એમ્બ્યુલન્સ સહિતના મોટાભાગના સરકારી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

રાજકોટ એરપોર્ટ અને સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે બે હોટલાઈન શરૂ

રાષ્ટ્રપતિના માત્ર 10 મિનીટના એરપોર્ટ પરના રોકાણ પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમન પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે હોટલાઈન શરુ કરવામાં આવી છે. જેમાં એક રાજકોટ એરપોર્ટ અને બીજી સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી છે. જે સીધી રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે જોડાયેલી રહેશે તેવું જાણવા મળ્યું છે. આ બંને હોટલાઈન ઈન્સ્ટોલ કરી દેવામાં આવી છે અને ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું હતું.

ગત વર્ષે જ રાષ્ટ્રપતિ સાસણગીર સિંહદર્શન માટે આવ્યા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગત વર્ષે ડિસેમ્બર 2019માં સિંહદર્શન માટે સાસણગીરની મુલાકાત લીધી હતી. સાસણગીરમાં રામનાથ કોવિંદે પરિવાર સાથે 20 સિંહોને નીહાળ્યા હતા. તેમજ સોમનાથ મહાદેવની પૂજા પણ પરિવાર સાથે કરી હતી. બાદમાં સિદી બાદશાહના નૃત્યને પણ નીહાળ્યું હતું. રાષ્ટ્રપતિ બન્યા તેના પાંચ દિવસ પહેલા જ રામનાથ કોવિંદ ગોંડલની મુલાકાતે આવ્યા હતા. ગોંડલમાં કોળી સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, મારે ગુજરાત સાથે 40 વર્ષ જૂનો નાતો છે. તેમજ ગોંડલ અક્ષર મંદિરે સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here