નડિયાદ જી.આઈ.ડી.સી.ના કોમન પ્લોટમાં વર્ષોથી કરાયેલા દબાણો આજે પ્રાદેશિક મેનેજરના સીધા નિરીક્ષણમાં દૂર કરાયા હતા. ગયા વર્ષે દબાણો દૂર કરવા નોટીસ અપાઈ હતી અને તે વખતે જી.આઈ.ડી.સી.ની હદમાં કરાયેલા અનેક ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી વાળ્યુ હતુ. વર્ષોથી અહીંયા રહેતા લોકોને અચાનક છત વિહોણા કરી દેવાયા હતા. ત્યારે હજુ કોમન પ્લોટમાં કરાયેલા દબાણો દૂર ન કર્યા હોવાથી આજે આ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.મળતી માહિતી મુજબ નડિયાદ જી.આઈ.ડી.સી.ની પ્રિમાઈસીસના કોમન પ્લોટમાં દબાણો કરીને રહેતા પરીવારોને ગયા વર્ષે નોટીસ અપાઈ હતી અને ત્યારબાદ હાલમાં ત્રણેક દિવસ પહેલા નોટીસો ફટકારવામાં આવી હતી. ગયા વર્ષે જ તંત્ર દ્વારા એકાએક અનેક પાક્કા મકાનો પર જેસીબી ફેરવી નાખ્યુ હતુ અને તે સમયે લોકો ઘર વિહોણા થઈ ગયા હતા.
આ વચ્ચે હજુ પણ ત્યાં કોમન પ્લોટમાં કેટલાય પરીવારો કાચા-પાકા દબાણો કરી રહેતા હતા. આ દબાણો દૂર કરવા માટે ગયા વર્ષે જી.આઈ.ડી.સી. પ્રશાસને નોટીસો પાઠવી હતી. પરંતુ આ પરીવારો પાસે બીજો કોઈ સહારો ન હોવાના પગલે તેઓ સ્થળ છોડયુ ન હતુ. આ વચ્ચે તાજેતરમાં ત્રણેક દિવસ પહેલા જી.આઈ.ડી.સી. પ્રશાસને પુનઃ આ રહીશોને નોટીસ ફટકારી હતી. આ નોટીસની પણ રહીશોએ અવગણના કરી અને આજે અચાનક જી.આઈ.ડી.સી.ના પ્રાદેશિક કમિશ્નર સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમના સીધા નિયમનથી આ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ વચ્ચે રહીશોમાં ભારેલો જ્વાળા જોવા મળ્યો હતો. આ પરીવારનો લોકોએ માંગણી કરી હતી કે, આ મકાનો તોડવાની સામે અમને રહેવાની બીજી વ્યવસ્થા કરી આપો. જો કે, જી.આઈ.ડી.સી. પાસે આવુ કોઈ પ્રાવધાન હોતુ નથી અને દબાણો કરાયેલા હોય, અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. જેના પરીણામે રહીશોએ સ્થળ છોડવા મજબૂર થવુ પડયુ અને તેમના આ દબાણો તોડી પાડવામાં આવ્યા છે.