ગોંડલ : અનિડા ગામમાં ચૂંટણીના દિવસે બોગસ મતદાન અટકાવતા : બે જૂથ વચ્ચે બઘડાટી બોલી, દંપતિ સહિત 4ને ઈજા.

0
5

રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હિંસક બની હોય તેમ તોડફોડ અને મારામારીના અનેક બનાવો હાલ ચૂંટણી બાદ પ્રકાશમાં આવ્યા છે ત્યારે ગોંડલના અનિડા ગામે ચૂંટણીના દિવસે થયેલી બોલાચાલીમાં બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી. જ્યાં રાતે અગિયારેક વાગ્યે ગામના સરપંચ સહિતનાએ હુમલો કરતા એક યુવાન, તેના પત્ની, પુત્ર અને તેમના માસીયાઇ ભાઇને ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવના પગલે પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હસમુખભાઈ સાથે તેમનો પુત્ર સાગર પણ ઘાયલ થયો હતો પુત્ર સાગર
હસમુખભાઈ સાથે તેમનો પુત્ર સાગર પણ ઘાયલ થયો હતો પુત્ર સાગર

 

ચારેય ગંભીર રીતે ઘાયલ થયા હતા

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના અનિડા ગામે રહેતા અને કડીયા કામની મજૂરી કરતાં હસમુખભાઈ વાલજીભાઈ વિંજુડા, પત્ની ચંપાબેન હસમુખભાઈ વિંજુડા, પુત્ર સાગર હસમુખભાઈ વિંજુડા અને માસીયાઈ રમેશભાઈ બધાભાઈ રાઠોડ રાત્રીના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અનીડા ગામના સરપંચ સામત ખેંગાભાઈ બાંભવા સહિતનું ટોળુ ધોકા-પાઈપ સાથે ઘસી આવ્યું હતું અને ઝઘડો કરી હુમલો કરી બેફામ માર માર્યો હતો. આ હુમલામાં દંપતી સહીત ચારેય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેથી ગોંડલમાં સારવાર લઇ ચારેયની રાજકોટ સિવિલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિનો માહોલ સર્જાયો છે

આ બનાવ અંગે ઘાયલ થયેલા હમસુખભાઇના ભાઇ મહેશભાઇએએ સરપંચ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સામંતભાઇ ગામના સરપંચ છે. ચૂંટણી વખતે અમારા સમાજના છોકરાઓએ ભાજપ તરફી બોગસ મતદાન થતું અટકાવ્યું હોઇ તે બાબતનું મનદુઃખ રાખીને તેમણે આ હુમલો કર્યો છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઈ અનિચ્છિનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસના બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિનો માહોલ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here