US ઇલેક્શન : બાઈડને કહ્યું, ‘કોરોના સંક્રમણને ખાળવું એ સૌથી મોટી પ્રાથમિકતા, મારો પ્લાન તૈયાર છે, અમલ માટે હું શપથવિધિની રાહ નહિ જોઉં’

0
6

અમેરિકામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનની પ્રમુખપદે તાજપોશી ક્રમશઃ નિશ્ચિત થઈ રહી છે. અલબત્ત, નીચલી અદાલતોએ મતગણતરી રોકવાના પ્રયાસોને નકારી દીધા છે આમ છતાં ઉપલી અદાલતનો વિકલ્પ હજુ ય ટ્રમ્પ માટે ખુલ્લો છે ત્યાં સુધી સત્તાવાર જાહેરાત થવામાં વિલંબ થઈ શકે છે. જ્યોર્જિયામાં પાતળી સરસાઈ હોવાથી ફેર ગણતરી શરૂ કરવામાં આવી છે. પેન્સિલવેનિયામાં બાઈડન સરસાઈ મેળવી રહ્યા છે. હાલ સત્તાવાર પરિણામો જાહેર નથી થયા તો પણ તેમની આસપાસની સુરક્ષા વ્યવસ્થા પ્રમુખને છાજે એ પ્રકારે ગોઠવાઈ રહી છે. યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા તેમની આસપાસ પ્રોટેક્ટિવ બબલ વધારી દેવાયો છે. ડેલાવેર પ્રાંતમાં વિલ્મિંગ્ટન ખાતે બાયડનના નિવાસસ્થાન આસપાસ નો ફ્લાય ઝોન જાહેર કરી દેવાયો છે.

શુક્રવારે બાઈડને વિલ્મિંગ્ટન ખાતે પોતાના સમર્થકોને કરેલ ઔપચારિક સંબોધનમાં તેમણે પ્રમુખ તરીકેનો ચાર્જ લેવા પોતે તૈયાર હોવાના સંકેતો આપતાં કહ્યું હતું કે, ‘કોરોના સંક્રમણને ખાળવું એ મારી સૌ પ્રથમ અગ્રિમતા બની રહેશે. આ માટેનો મારો પ્લાન હું બહુ ઝડપથી દેશ સમક્ષ મૂકીશ અને શપથવિધિની રાહ જોયા વગર તેનો અમલ કરાવીશ. દેશ હાલ બે અંતિમવાદી વિચારધારા વચ્ચે વહેંચાઈ ગયો છે એ પણ મારા મતે ગંભીર બાબત છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે એ સ્વીકારીને સૌએ અમેરિકાને મજબૂત બનાવવાના લક્ષ્ય માટે કાર્યરત થઈ જવાનું છે. વિચારધારા વચ્ચેનો ભેદ ભૂંસવો એ પણ મારી પ્રાથમિકતા રહેશે.’

અમેરિકામાં ચાલી રહેલી મતગણતરીની વચ્ચે એક મહત્ત્વની જાણકારી સામે આવી છે. જ્યોર્જિયામાં બીજી વખત મતગણતરી થશે. અહીં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડનને પાતળી સરસાઈ મળી છે. જ્યોર્જિયાના સચિવ બ્રેડ રેફેન્સપર્ગરે કહ્યું હતું કે જેમ જેમ અમે મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં પહોંચી રહ્યા છીએ, તેમ તેમ અમે આગામી પગલાં તરફ નજર માંડી રહ્યા છીએ. તો જયોર્જિયા બાદ હવે પેન્સિલવેનિયામાં પણ બાઈડન આગળ નીકળી ગયા છે. અત્યારસુધી પેન્સિલવેનિયામાં ટ્રમ્પની સરસાઈ હતી, પરંતુ બાઈડને તેમને પાછળ છોડી દીધા છે. હવે ડેમોક્રેટ 4 અને રિપબ્લિકન માત્ર 1 રાજ્યમાં જ આગળ છે.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન ટ્રમ્પને આકરી ટક્કર આપી રહ્યા છે. એટલું જ નહીં, 264 ઈલેક્ટોરલ મત સાથે તેઓ 270ના આવશ્યક આંકડા સુધી પહોંચવામાં માત્ર 6 ઈલેક્ટોરલ મતથી દૂર છે. ભારતીય સમય મુજબ, શુક્રવારે સાંજ સુધીમાં જ્યોર્જિયામાં બાઈડને ટ્રમ્પને પાછળ રાખી દીધા છે. અહીં સતત આગળ રહેલા ટ્રમ્પની સરસાઈ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા પછી સતત ઘટવા લાગી હતી. હવે બાઈડન સરસાઈ કાપ્યા બાદ 1000 જેટલા મતથી આગળ નીકળી ગયા છે. ટ્રમ્પને 24 લાખ 48 હજાર 454 મત મળ્યા છે, જ્યારે બાઈડનને 24 લાખ 49 હજાર 371 મળ્યા છે. હજુ 1 ટકા મતની ગણતરી બાકી છે. અહીં જો બાઈડનને ફતેહ મળે તો રાજ્યના તમામ 16 ઈલેક્ટોરલ વોટ તેમના ફાળે જશે. એ પછી પ્રમુખપદે તેમનો વિજય નિશ્ચિત બની જશે.

ટ્રમ્પના ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ રોકવામાં આવ્યું

ચૂંટણીપરિણામો સામે આવ્યાં બાદ ટ્રમ્પે પહેલી વખત વ્હાઈટ હાઉસથી નિવેદન આપ્યું, જેને કવર કરવા માટે મીડિયા પણ હાજર હતી. ટ્રમ્પે જેવી પોતાની વાત રાખવાની શરૂઆત કરી, તેઓ જૂઠા દાવાઓ કરવા લાગ્યા. તેમણે કહ્યું હતું, ‘ચૂંટણીપરિણામો મારી વિરુદ્ધ ચાલી રહેલા ષડ્યંત્રનો એક ભાગ છે. ડેમોક્રેટ્સને ગેરકાયદે વોટ મળ્યા છે. તેઓ મારી પાસેથી ચૂંટણીમાં મળેલી જીત ઝૂંટવવાના પ્રયાસ કરી રહ્યા છે. જો લીગલ વોટ્સની ગણતરી કરવામાં આવે તો હું આસાનીથી જીતી જઈશ. હજુ સુધી બેલેટ્સ ગણવામાં આવી રહ્યા છે, એટલે કે ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. સિક્રેટ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે.’

ટ્રમ્પે આરોપોના સમર્થનમાં કોઈ જ પુરાવાઓ રજૂ ન કર્યા. તેઓ 17 મિનિટ બોલ્યા અને આ પ્રકારે જ ખોટા દાવાઓ કરતા રહ્યા. અમેરિકાની ત્રણ મુખ્ય ન્યૂઝ ચેનલ ABC, NBC અને CBSએ એને દેશની સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીપ્રક્રિયા વિરુદ્ધનું માન્યું અને વ્હાઈટ હાઉસથી ટ્રમ્પનું લાઈવ કવરેજ રોકી દીધું.

પેન્સિલવેનિયાઃ 20 ઈલેક્ટોરલ વોટ ધરાવતા આ રાજ્યમાં આરંભિક તબક્કે ડોનાલ્ડ ટ્રમ્પ આગળ જઈ રહ્યા હતા, પરંતુ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા પછી તેમની સરસાઈ સતત કપાતી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો પ્રમાણે, હાલ અહીં 94 ટકા મતગણતરી સંપન્ન થઈ છે અર્થાત્ 6 ટકા મતો ગણાવાના હજુ બાકી છે.

જ્યોર્જિયાઃ આ રાજ્યમાં કુલ 16 ઈલેક્ટોરલ વોટ છે. અહીં પણ સતત આગળ ચાલી રહેલા ટ્રમ્પની પોસ્ટલ બેલેટ ખૂલ્યા પછી એકધારી પીછેહઠ થઈ રહી છે. હાલ 99 ટકા મતોની ગણતરી પૂરી થઈ છે અને બંને ઉમેદવારો વચ્ચે બાઈડન 1 હજાર મતની સરસાઈથી આગળ છે. આ રાજ્ય બાઈડનને મળે તો પ્રમુખપદે તેમની તાજપોશી નિશ્ચિત બની જશે.

નોર્થ કેરોલિનાઃ 15 ઇલેક્ટોરલ વોટ ધરાવતા આ રાજ્યમાં હાલ 95 ટકા મતોની ગણતરી પૂર્ણ થઈ છે, જેમાં ટ્રમ્પને 50 ટકા અને બાઈડનને 48 ટકા મતો મળ્યા છે. કોરોનાને કારણે આ રાજ્યે બદલેલા નિયમોના કારણે હજુ 12 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટ સ્વીકાર્ય હોવાથી અહીં ગણતરી લંબાશે એ નિશ્ચિત છે અર્થાત્ એ પછી જ ચિત્ર સ્પષ્ટ થશે.

એરિઝોનાઃ 11 ઇલેક્ટોરલ વોટ ધરાવતા આ રાજ્યમાં હજુ 10 ટકા વોટની ગણતરી બાકી છે. હાલના ચિત્ર મુજબ બાઈડનને 50 ટકા અને ટ્રમ્પને 48.5 ટકા વોટ મળ્યા છે. હજુ 3 લાખ પોસ્ટલ બેલેટની ગણતરી બાકી છે.

આ ચાર રાજ્ય એવાં છે, જ્યાં ઇલેક્ટોરલ વોટ વધુ છે, પરંતુ નેવાડા પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે 6 ઇલેક્ટોરલ વોટ ધરાવે છે અને હાલના ચિત્ર મુજબ બાઈડનને સ્પષ્ટ બહુમતી માટે ફક્ત 6 વોટની જ જરૂર છે. નેવાડામાં હાલ બાઈડન ખાસ્સા આગળ જણાય છે, એ જોતાં આ રાજ્યમાં જો જીતે તો પ્રમુખપદે તેમનો વિજય નિશ્ચિત થઈ જશે.

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, તેઓ 264 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે. ટ્રમ્પના ખાતામાં 214 વોટ છે. આ ઉપરાંત બાઈડેને પોતાની પાર્ટીના બરાક ઓબામાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુરુવારે સવાર સુધીમાં બાઈડને 7 કરોડ 10 લાખ પોપ્યુલર વોટ મેળવી ચૂક્યા હતા. 2008માં ઓબામાને 6 કરોડ 94 લાખ 98 હજાર 516 વોટ મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here