વડોદરા : સયાજી હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતા પુજારીનું મોત, પત્નીએ કહ્યું………

0
8

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તબીબો દ્વારા સમયસર સારવાર ન મળતા જાણીતા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના પુજારીનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. પરિવારજનોએ તબીબોએ સારવાર આપવામાં આવેલી દાખવેલી નિષ્કાળજીના કારણે પુજારીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મુકી હોબાળો મચાવ્યો હતો. મૃતકના પત્નીએ ભારે આંક્રદ સાથે જણાવ્યું કે, મારા પતિને ડોક્ટરોએ મારી નાખ્યા છે. હવે મારા પતિ રહ્યા નથી. અમારે જીવીને શું કામ છે. મને અને મારી બે દીકીરોઓને પણ ડોક્ટરો ઝેર આપી દો. અમે જીવવા માંગતા નથી.

ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો

વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલી કાશીવિશ્વનાથ સોસાયટીમાં રહેતા અને કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા અશ્વિનભાઇ સોમનાથભાઇ દવે (ઉં.43)ને સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા સવારે મોત નીપજ્યું હતું. અશ્વિનભાઇનું મોત નીપજતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. તેજશ શાહની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મુકી હોબાળો મચાવ્યો હતો. અને જ્યાં સુધી ડો. તેજસ શાહને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે એસીપી મેધા તેવાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને પરિવારને કાર્યવાહીની હૈયાધારણા આપતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલના ફરજ પરના તબીબોએ 3 કલાક સુધી સારવાર આપી ન હોવાના આક્ષેપ

સયાજી હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથી મોતને ભેટેલા અશ્વિનભાઇ દવેના મોટાભાઇ જયેશભાઇ દવે (મહારાજ)એ જણાવ્યું હતું કે, 4 દિવસ પૂર્વે અશ્વિનભાઇ દવેને અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓને માથામાં ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે મોડી સાંજે તેઓની તબિયત લથડતા અમો સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા. મારા ભાઇનું બ્લડપ્રેશર તે સમયે 200ની ઉપર હતું. શરીર ગરમ લ્હાય જેવું હતું. ભાઇ બેભાન અવસ્થામાં હતા. અમે પરિવારજનો તબીબોને ભાઇને ચેક કરવા માટે આજીજી કરી રહ્યા હતા. પરંતુ, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ 3 કલાક સુધી કોઇ સારવાર આપી ન હતી. આખરે મોડી રાત્રે તેઓએ ટ્રીટમેન્ટ શરૂ કરી ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું.

ડો. તેજસ શાહને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં ઉઠાવવાની ચીમકી

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, વહેલી સવારે તેઓને ન્યુરોલોજીસ્ટને બતાવવા માટે લઇ જવાના હતા. મારા ભાઇની ફાઇલ ડો. તેજસ શાહ પાસે હતી. તેઓ તેઓના રૂમમાં સૂઇ રહ્યા હતા. અમે ફાઇલ લેવા માટે ગયા ત્યારે તેઓએ 2 કલાક બાદ આવવા માટે જણાવ્યું હતું. મારા ભાઇની ફાઇલ અમારી પાસે આવે અને અમે તેઓને બીજી હોસ્પિટલમાં લઇ જઇએ તે પેહલાં તેઓનું મોત નીપજ્યું હતું. એતો ઠીક મારા ભાઇનું મોત નીપજ્યું છે કે, નહીં તે જણાવવા માટે પણ ફરજ પરના તબીબો 2 કલાક સુધી આવ્યા ન હતા. મારા 43 વર્ષના ભાઇ અશ્વિનનું મોત ડો. તેજસ શાહ અને અન્ય તબીબોની નિષ્કાળજીના કારણે જ થયું છે. જ્યાં સુધી ડો. તેજસ શાહને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે તેમનો મૃતદેહ ઉઠાવીશું નહીં.

પત્નીનું હૈયાફાટ રૂદન કહ્યું: હવે મારા પતિ રહ્યા નથી. તો અમારે જીવીને શું કામ છે 

તબીબોની નિષ્કાળજીથી મોતને ભેટેલા અશ્વિનભાઇ દવેની પત્ની ભક્તિબહેન દવેએ જણાવ્યું હતું કે, હવે મારા પતિ રહ્યા નથી. તો અમારે જીવીને શું કામ છે. સયાજી હોસ્પિટલના ડોક્ટરો મને અને મારી બે દીકરીઓ ભાગ્યશ્રી અને જયતિને ઝેર આપીને મારી નાંખો. ભક્તિબહેને પણ પોતાના પતિના મોત માટે સયાજી હોસ્પિટલના તબીબોને જવાબદાર ઠેરવીને રોષ ઠાલવ્યો હતો. હોસ્પિટલમાં તેઓના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here