વડાપ્રધાન એપ્રિલ મહિનામાં ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા; ફાઈવ સ્ટાર હોટલનું લોકાર્પણ કરી શકે

0
6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં ફરીવાર ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન આ દરમિયાન ગાંધીનગર સ્થિત આધુનિક રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલનું લોકાર્પણ કરી શકે છે. આ સાથે જ વડાપ્રધાન આવે તે સ્થિતિમાં અન્ય કાર્યક્રમો પણ જોડે ગોઠવવા માટે આયોજન કરાઈ રહ્યું છે. માર્ચ મહિનામાં જ વડાપ્રધાન બે વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.

ફાઈવ સ્ટાર હોટલ સાથે રેલવે સ્ટેશન

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન ડેવલપ કરી રહ્યું છે. દેશમાં પહેલીવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર કરાયો છે, જ્યાં ટ્રેનની રાહ જોતા પેસેન્જરો ભગવાનની પ્રાર્થના-બંદગી કરી શકશે. ફાઈવસ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આ બિલ્ડિંગમાં જ નીચેના મુખ્ય પ્રવેશદ્વારથી પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે. તમામ પેસેન્જરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એન્ટ્રીગેટ પાસે ફાઈવસ્ટાર હોટલમાં જવા માટેનો રસ્તો આપ્યો છે, જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ-એસ્કેલેટર લગાવાયાં છે, જેથી હોટલ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકાશે.

12મી માર્ચે અમદાવાદમાં હતા પીએમ

ગઈકાલે 12મી માર્ચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાને ક્રીમ કલરનો ઝભ્ભો અને ખાદીનો ખેસ પહેરી ગાંધી આશ્રમ આવ્યા હતા, જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યાર બાદ 7 મિનિટ સુધી આશ્રમમાં રોકાયા હતા, જ્યાં હૃદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી તેમજ વિઝિટર બુકમાં સંદેશ લખી સભા સ્થળે પહોંચ્યા હતા. ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરાઈ હતી. આ પ્રસંતે તેમણે દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.

કેવડિયામાં આપી હતી હાજરી

આ પહેલા 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાના પ્રવાસે હતા. જ્યાં તેઓએ ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. કૉન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર દાંડી યાત્રા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ત્યાંથી દિલ્હી રવાના થયા હતા. દેશની સુરક્ષાને લઇને મોદી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here