ચિન્મયાનંદ મામલે પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલો

0
0

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ સાંસદ સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ બળાત્કારના આરોપને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યૂપીની યોગી સરકાર પર નિશાન તાક્યુ છે. પ્રિયંકા ગાંધીએ મહિલાની સુરક્ષા પર ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલો કર્યા કે, શું આરોપીનો સંબંધ ભાજપ સાથે હોવાને કારણે યૂપી પોલીસ સુસ્ત છે?

પ્રિંયકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે પોતાની હરકતોથી સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનો મહિલા સુરક્ષાની કોઈ ચિંતા નથી. તેમણે સવાલ કર્યો કે, અંતે શા માટે ફરિયાદકર્તા છોકરીને ફરી વખત પ્રેસની સામે સુરક્ષાની માગણી કરવી પડી રહી છે? ઉત્તરપ્રદેશની પોલીસ સુસ્ત કેમ છે? કારણ કે આરોપીનો સંબંધ ભાજપ સાથે છે. મહત્વનું છે કે, એક વિદ્યાર્થીએ ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો દાવો છે કે, અનેક વખત મદદ માગી હોવા છતાં ઉત્તર પ્રદેશ પોલીસે પ્રાથમિક ફરિયાદ પણ દાખલ ન કરી અને આરોપીની પૂછપરછ પણ ન કરી.

મહત્વનું છે કે, SITએ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન ચિન્મયાનંદની ગઈકાલે મોડી રાતે લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી. આ દરમિયાન એસઆઈટી એ યૂપી પોલીસની પણ આ કેસ મામલે પૂછપરછ કરી. યૂપી પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર પીડિતા અને તેમના પરિવારજનો દ્વારા આરોપ લગાવેલા તમામ સવાલો ચિન્મયાનંદને પૂછવામાં આવ્યાં હતાં.

ચિન્મયાનંદના વકીલે કહ્યું કે, અમે તપાસ સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છીએ. યૂપી પોલીસે ચિન્મયાનંદને સવાલ કર્યાં, પરંતુ બળાત્કાર મામલે કોઈ પણ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી. મહત્વનું છે કે, ચિન્મયાનંદ મામલે રચાયેલી એસઆઈટીએ બુધવારે કથિત પીડિયાની તબીબી તપાસ કરાવી હતી. એસઆઈટીની ટીમ બળાત્કારનો આરોપ લગાવનાર એલએલએમની વિદ્યાર્થીની ને ચૂસ્ત સુરક્ષા વચ્ચે મેડિકલ કોલેજ લઈને પહોંચી હતી. મેડિકલ કોલેજની મુખ્ય ચિકિત્સા અધિક્ષક અનીતા ઘસ્માનાએ જણાવ્યું કે, ડોક્ટરોની પેનલે વિદ્યાર્થીનીનું તબીબ પરીક્ષણ કર્યું.

ચિન્મયાનંદે કહ્યું હતુ કે, તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એસઆઈટીની તપાસ બાદ બધુ સામે આવી જશે. એસઆઈટી પર મને સંપૂર્ણ ભરોસો છે.

આ દરમ્યાન, ચિન્મયાનંદનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં એ એક છોકરી પાસે માલિશ કરાવી રહ્યાં છે. આ વિડિયોના કેપ્શનમાં લખેલું છે કે, માલિશ કરી રહેલી છોકરીએ આ વિડિયો ચશ્મામાં રાખેલા કેમેરાથી ઉતાર્યો છે. ચિન્મયાનંદના વકીલ ઓમ સિંહે કહ્યું કે, આ વિડિયો નકલી છે, એને એડિટ કરીને બનાવામાં આવ્યો છે. આ ષડયંત્ર બ્લેકમેલ કરીને પૈસા પડાવવા માટે કરવામાં રચવામાં આવ્યું. તો એસઆઈટીની ટીમે પાંચ કલાક સુધી ઓમ સિંહની પણ પૂછપરછ કરી. તેમના વકીલે જણાવ્યું કે, સ્વામી ચિન્મયાનંદના વ્હોટ્સએપ પર એક મેસેજ દ્વારા 5 કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્વામી સુખદેવાનંદ વિધિ મહાવિદ્યાલયમાં એલએલએમનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ 24 ઓગસ્ટે એક વિડિયો મેસેજમાં જણાવ્યું હતું કે, એક સન્યાસીએ અનેક લોકોની જીંદગી બરબાદ કરી છે અને એમના પરિવારને આ સન્યાસીથી જીવનું જોખમ છે. ત્યારબાદ છોકરીના પિતાએ સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ દુષ્કર્મ અને શારીરિક શોષણની ફરિયાદ નોંધાવામાં માટે ઘણા પ્રયત્નો કર્યા પણ યૂપી પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા તપાસ માટે એસઆઈટીની રચવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here