કાર્યવાહી : ફાયર NOC વગરની ત્રણ હજાર બિલ્ડિંગ સામે પોલીસ ફરિયાદની તૈયારી

0
0

અમદાવાદમાં ત્રણ હજારથી વધુ હાઈરાઈઝ કોમર્શિયલ, કોમર્શિયલ કમ રેસિડન્સ અને રેસિડન્સ બિલ્ડિંગો છે જેની પાસે ફાયર એનઓસી નથી. આગામી દિવસોમાં આ બિલ્ડિંગ સંચાલકોએ ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા પડશે અથવા પોલીસ ફરિયાદ માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરની અંદાજે 5700 હાઈરાઈઝ બિલ્ડિંગોને આઈડેન્ટિફાય કરાઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 2246ને નોટિસ અપાઈ ચૂકી છે. ફાયર એનઓસી નહીં લેનાર બિલ્ડિંગો સામે પોલીસ ફરિયાદ ઉપરાંત વીજળી, પાણીનું જોડાણ કાપવા તેમજ સીલિંગ, દંડ વસૂલાત સુધીના પગલાં લેવાશે.

અત્યાર સુધીમાં શહેરની 1311 રેસિડન્સ, 411 કોમર્શિયલ કમ રેસિડન્સ અને 297 કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગોને ફાયર વિભાગે નોટિસ આપી છે. આ બિલ્ડિંગોને 15 દિવસ સુધીમાં ફાયરના સાધનો વસાવી લઈ વિભાગ પાસેથી એનઓસી મેળવી લેવી અથવા કેટલા સમયમાં ફાયરના સાધનો ઈન્સ્ટોલ થશે તેનો સંતોષકારક જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના વારંવાર રિમાઈન્ડર છતાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ચેરમેન-સેક્રેટરી અને સભ્યોના આંતરિક વિખવાદના કારણે સાધનો વસાવાતા નથી. ફાયરની એનઓસી લેવી સામૂહિક જવાબદારી છે તે હિસાબે જ તેમની વિરૂદ્ધ હવે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કરાયો છે.

ફાયર સેફ્ટી બાબતે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાલ આંખ કરતાં, તંત્ર સફાળું જાગ્યું હતું અને એક અઠવાડિયાથી જુદા જુદા એકમોમાં ફાયર સેફ્ટીની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

આગનો બનાવ બને અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ફાયરના લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ હોય તો લોકોના જીવ બચાવી શકાય. ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવાની જવાબદારી સામૂહિક જવાબદારી હોય છે. જે રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ લેવા લોકો સામે ચાલીને આરટીઓ જતા હોય તે રીતે ફાયર સેફ્ટીની એનઓસી લેવાની લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે.

અગાઉ અમદાવાદ અને વડોદરામાં પણ ફાયર NOC વિનાની પ્રોપર્ટીને સીલ કરાઈ હતી
અગાઉ અમદાવાદ અને વડોદરામાં પણ ફાયર NOC વિનાની પ્રોપર્ટીને સીલ કરાઈ હતી

લેભાગુઓ ફાયરસેફ્ટીના નામે રૂપિયા ઉઘરાવે છે
અમદાવાદમાં ફાયર વિભાગ સક્રિય થતાં ફાયર સેફ્ટી નિષ્ણાતના કાર્ડ લઈને ફરતા લેભાગુ તત્વો પણ સક્રિય થયા છે. ફાયરના સાધનોની ખરીદી અને ઈન્સ્ટોલેશન માટેની એજન્સીઓ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી, હલકી કક્ષાના સાધનો ઈન્સ્ટોલ કરી રહી છે. કેટલાક કિસ્સામાં તો લેભાગુ તત્વો લોકો પાસેથી રૂપિયા ઉઘરાવીને ભાગી ગયા છે. એક બિલ્ડિંગ પાછળ ફાયરના સાધનો વસાવવા આશરે 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ફાયર સાધનોની માગ વધતા બજારમાં ક્વોલિટી સાધનોની અછત ઉભી થઈ છે.

સપ્તાહમાં 924 સ્કૂલ-250 હોસ્પિટલને નોટિસ
ફાયર વિભાગે છેલ્લા અઠવાડિયામાં શહેરની 924 સ્કૂલો અને 250 હોસ્પિટલોને ફાયર સેફ્ટીના લાઈફ સેવિંગ સાધનોના અભાવે નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનની 550 અને ડીઈઓ અંતર્ગત આવતી 1954 ગ્રાન્ટેડ-નોનગ્રાન્ટેડ સ્કૂલોની તપાસ પણ કરી હતી.

ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગોને નોટિસ અપાઈ હતી
ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગોને નોટિસ અપાઈ હતી

50 હાઈરાઈઝ સહિત વધુ 193ને ફાયરની નોટિસ
શહેરમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે વધુ 193 એકમોને ગુરુવારે નોટિસ અપાઈ હતી. જેમાં હાઈરાઈઝ અને રેડિસેન્સ 50 અને હાઈરાઈઝ રેસિડેન્સ 143 એકમોનો સમાવેશ થયો હતો. ફાયર વિભાગે અધિકારીઓની જુદીજુદી ટીમો બનાવી છે જે દરરોજ રૂટિન કામ છોડીને નોટિસ આપવાની કામગીરી કરી રહ્યા છે. ફાયર વિભાગમાં નવી ભરતી કરવા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here