પ્રોડ્યૂસર્સે થિયેટર ખોલવાની પરવાનગી ના મળતા ‘મૂવી થિયેટર બચાવો’ અભિયાન શરૂ કર્યું, થિયેટરમાલિકોએ પૂછ્યું- રિલીઝ માટે ફિલ્મ ક્યાં છે?

0
6

પ્રોડ્યૂસર્સને સરકાર પાસે આશા હતી કે અનલૉક 4માં થિયેટર પણ ખોલવાની પરવાનગી આપવામાં આવશે પરંતુ તેમ થયું નહીં. જિમ, રેસ્ટોરાં તથા દિલ્હી મેટ્રો ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ થિયેટર ખોલવામાં આવશે નહીં. આ જ કારણે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સહિત ઘણાં પ્રોડ્યૂસર્સ તથા ટ્રેડ એનાલિસ્ટે ‘સેવ મૂવી થિયેટર’ નામથી એક અભિયાન શરૂ કર્યું છે.

જોકે, થિયેટર માલિકોએ થિયેટર ચલાવવામાં કયા કયા વ્યવહારિક પડકારો આવી શકે છે તે અંગે વાત કરી હતી. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રોડ્યૂસર્સ પાસે નવી ફિલ્મ તૈયાર નથી. ’83’ તથા ‘સૂર્યવંશી’ને બાદ કરતાં એક પણ ફિલ્મ તૈયાર નથી. આ પરિસ્થિતિમાં કેવી રીતે થિયેટર ફરી વાર શરૂ કરી શકાય.

માત્ર બે ફિલ્મની મદદથી કેવી રીતે ઓપનિંગ થાય?

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી પ્રકાશે કહ્યું હતું, છેલ્લાં પાંચ મહિનાથી સરકારની સાથે બે વાર વેબીનાર પર અમારી વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી. પહેલી બેઠકમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે તેમની પહેલી પ્રાથમિકતા લોકોનું સ્વાસ્થ્ય છે, ઈન્ડસ્ટ્રી નથી. રોગચાળા પર નિયંત્રણ આવશે પછી જ થિયેટર ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. આજે પણ દેશમાં રોજના 60-70 હજાર કેસ આવે છે. આ સાથે જ થિયેટર એક બંધ એરિયામાં હોય છે, અહીંયા સાવચેતી વધુ પ્રમાણમાં જોઈએ. આટલું જ નહીં થિયેટર પાસે નવી ફિલ્મ જ ક્યા છે, જે રજૂ કરવામાં આવે.

વધુમાં તેમણે કહ્યું હતું, માત્ર ’83’ તથા ‘સૂર્યવંશી’ની મદદથી કેવી રીતે થિયેટર ચલાવી શકાય. બંને ફિલ્મના ફાઈનાન્સર, પ્રોડ્યૂસર્સ પાસે વ્યાજ લઈ રહ્યા છે. OTT આ ફિલ્મને 100 કરોડથી પૈસા આપી રહ્યા નથી અને તેથી જ તેમની પાસે બોક્સ ઓફિસ જ એક વિકલ્પ છે. આથી જ તેમણે આ અભિયાન શરૂ કર્યું છે. સાચી વાત એ છે કે થિયેટર માલિક પોતાની સંપત્તિ બંધ કરીને ટ્રાન્સફોર્મરને પણ ડિસ્કનેક્ટ કરી નાખ્યું છે. સ્ટાફને પણ કાઢી મૂક્યો છે અને હવે નવી ભરતી કરવાની રહેશે.

કેન્દ્ર પરવાનગી પણ આપી દે પણ રાજ્ય અડચણ ઊભી કરશે

ફિલ્મ તથા ટ્રેડ બિઝનેસ એનાલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું, કોરોનાના કેસને કારણે હતાશામાં સતત વધારો થયો છે. છેલ્લાં કેટલાંક દિવસથી રોજ 70 હજાર કેસ આવી રહ્યા છે. આવા સમયે પહેલી સપ્ટેમ્બરના રોજ થિયેટર ના જ ખુલે તે સમજી શકાય તેવી વાત છે. દેશમાં મલ્ટીપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન થઈને 9500 સ્ક્રીન છે. બીજી વાત એ છે કે હાલમાં આપણી પાસે કોઈ નવું કન્ટેન્ટ નથી.

ગાંધી જયંતી પર રિલીઝ કરવા માટે એક પણ નવી ફિલ્મ નથી. જો આ સમયે થિયેટર ખોલવામાં પણ આવે તો જૂની ફિલ્મથી જ કામ ચલાવવું પડશે. થિયેટરમાં બહુ ઓછા લોકો આવશે. જો હોલિવૂડ ફિલ્મ ‘ટેનેટ’ આવશે તો લોકો થિયેટરમાં આવશે. 15 ઓગસ્ટની આસપાસ થિયેટર ખુલે તેમ માનવામાં આવે છે. જો 15 સપ્ટેમ્બરની આસપાસ થિયેટર ખોલવાની પરવાનગી મળી પણ જાય તો થિયેટર શરૂ કરવા મુશ્કેલ છે. કેન્દ્ર પરવાનગી આપશે પરંતુ રાજ્ય અડચણ ઊભી કરી શકે તેમ છે. પરિસ્થિતિ નોર્મલ થાય તો જ થિયેટરના બિઝનેસમાં વધારો થશે.

હોમ મિનિસ્ટ્રીમાંથી પરવાનગી મળતી નથી

ટ્રેડ પંડિત તથા ડિસ્ટ્રીબ્યૂટર રાજ બંસલે કહ્યું હતું કે માહિતી તથા પ્રસારણ મંત્રાલયે તો પરવાનગી આપી હતી પરંતુ હોમ મિનિસ્ટ્રીએ પરવાનગી આપી નથી. વિશ્વભરમાં થિયેટર શરૂ થઈ ગયા છે. ‘ટેનેટ’ રિલીઝના ત્રણ દિવસની અંદર 300થી 400 કરોડની કમાણી કરી શકે છે. કોરિયામાં જૂની ફિલ્મ જોવા માટે દર્શકો આવ્યા હતા. આશા છે કે અહીંયા પણ પરિસ્થિતિ સામાન્ય થશે, કારણ કે સ્વિમિંગ પૂલ, જિમ તથા મેટ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે.

નવી ફિલ્મ તૈયાર નથી

બોક્સ ઓફિસ પર નવી ફિલ્મ રિલીઝ માટે તૈયાર નથી. કોરોના તથા લૉકડાઉનને કારણે શૂટિંગ થયું નથી. ‘સત્યમેવ જયતે 2’, ‘પૃથ્વીરાજ’, ‘ધાકડ’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘મૈદાન’, ‘લાલ સિંહ ચઢ્ઢા’થી લઈ સ્મોલ તથા મીડિયા બજેટની ફિલ્મ્સનું શૂટિંગ પણ બાકી છે. ‘જયેશભાઈ જોરદાર’નું પેચ વર્ક બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here