માસિક ધર્મની પરિસ્થિતિના આધારે જાહેર કે ધાર્મિક જગ્યા પર મહિલાઓને બાકાત રાખવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકો

0
7

કચ્છના ભુજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી. આ મામલે વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એ બાદ આ અંગે થયેલી જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી છે કે માસિક ધર્મની પરિસ્થિતિના આધારે કોઈપણ જાહેર, ખાનગી, ધાર્મિક કે શૈક્ષણિક જગ્યા પર મહિલાઓને બાકાત રાખવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઈએ

આ અંગેની જાહેરહિતની અરજીમાં સુનાવણી કરતા સોમવારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાની ખંડપીઠે નિર્દેશ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે માસિક ધર્મની પરિસ્થિતિના આધારે મહિલાઓને કોઈપણ સ્થળે બાકાત કરવાની પ્રવૃત્તિ સામે રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઇએ. જાહેર સ્થળો પર પોસ્ટર દ્વારા એનો પ્રચાર કરવો જોઇએ, સાથે હેલ્થવર્ક્સ અને આંગણવાડીની મહિલાઓને આ માનસિકતાની જાગૃતિ અંગે કામ સોંપવામાં આવે. આ ઉપરાંત ટકોર કરતાં વધુમાં તેણે જણાવ્યું હતું કે શાળાઓના અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ થવો જોઇએ.

ભુજની સહજાનંદ કોલેજમાં છાત્રાઓનાં કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી હતી ( ફાઈલ ફોટો).

ભુજની સહજાનંદ કોલેજમાં છાત્રાઓનાં કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી હતી ( ફાઈલ ફોટો).

મોટી ઉંમરની મહિલાઓ ચર્ચા કરતાં ખચકાય છે

આપણા સમાજની મોટી ઉંમરની મહિલાઓ આ અંગે ચર્ચા કરવામાં ખચકાય છે, જેને કારણે કિશોરીઓ કે યુવતીઓ પાસે આ અંગેનું જ્ઞાન ઓછું હોય છે. જોકે ખંડપીઠે એ પણ કહ્યું હતું કે આ નિર્દેશો અને અવલોકનો પ્રથમદર્શનીય છે. કોઇ યોગ્ય આદેશો જારી કરતાં પહેલાં અમે રાજ્ય અને કેન્દ્ર સરકારનો જવાબ સાંભળવા માગીએ છીએ. અમે ખૂબ જ નાજુક મુદ્દાને સંબોધી રહ્યા છીએ, તેથી તમામ પક્ષકારો તેમનો પક્ષ રજૂ કરે અને ચર્ચા થાય એ જરૂરી છે. મહત્ત્વનું છે કે આ PILની સુનાવણી 26 તારીખે થઈ હતી, ત્યાર બાદ 8 માર્ચે કોર્ટે ઓર્ડર જાહેર કર્યો છે અને આગામી સુનાવણી 30 માર્ચે હાથ ધરવામાં આવશે.

શું હતો આખો મામલો?

કચ્છના ભુજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી. આ મામલે સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, વિદ્યાર્થિનીઓની માગણી હતી કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓના કહેવા પ્રમાણે, તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી હતી, સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઈને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઈ શકે છે.

વિદ્યાર્થિનીઓએ શું આક્ષેપ કર્યો હતો?

વિદ્યાર્થિનીઓના આક્ષેપ પ્રમાણે, તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. એ બાદ માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી હતી. આ મામલે કૉલેજની તમામ વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતાં સંચાલકોએ અમુક વિદ્યાર્થિનીઓને ઑફિસમાં બોલાવી હતી અને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને આ વાતને પૂરી કરવાનું કહ્યું હતું. વિદ્યાર્થિનીઓના કહેવા પ્રમાણ તેમને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ પણ લખાવી લીધું હતું, સાથે જ સંચાલકોએ છાત્રાઓને એવું પણ કહ્યું હતું કે જો તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો, પગલાં લેવાની વાત ન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here