સમગ્ર ગુજરાતમાં મધ્યાન ભોજન યોજનાના સંચાલકો અને કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માગ સાથે છેલ્લા એક સપ્તાહથી વિવિધ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. છતાં આ સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજનાના સંચાલકો અને કર્મચારીઓની માંગ સંતોષવામાં આવી રહી નથી ત્યારે પાટણ જિલ્લાના મધ્યાન ભોજન યોજનાના સંચાલકો અને કમૅચારીઓ પણ છેલ્લા આઠ આઠ દિવસથી કલેકટર કચેરી સામે ફુટપાથ પર બેસી પોતાની સમાન કામ સમાન વેતન ની માંગ કરી વિવિધ કાર્યક્રમો સાથે સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. છતાં આજદિન સુધી તેઓની રજુઆત સાંભળવા જિલ્લા નાં કોઈ અધીકારી સુધ્ધાં ફરક્યા નથી ત્યારે ગુરુવારના રોજ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને કર્મચારીઓની હડતાળ નાં સ્થળે સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પહોંચી તેઓની રજુઆત સાંભળી સરકાર દ્વારા આ પ્રશ્ને ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મધ્યાન ભોજન યોજનાના સંચાલકોને કર્મચારીઓની રજૂઆતના પગલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984માં કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સરકાર સમયે કાયૅરત બનાવવામા આવેલ અને તે સમયથી આજદિન સુધી આ યોજના કાયૅરત છે. પરંતુ આ ભાજપ સરકાર ઉધોગપતિની સરકાર હોય આ સરકારને ગરીબ ની માંગણી સંતોષવામા રસ નથી એક તરફ મોંધવારી એ માજા મુકી છે.ત્યારે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને કર્મચારીઓને સામાન્ય મહેનતાણું પોષાય તેમ નથી તેઓને સમાન કામ સમાન વેતન સરકાર દ્વારા આપવું જોઈએ જેથી તેઓ પણ પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી શકે ત્યારે આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી.અને સરકાર દ્વારા આ મામલે યોગ્ય કરવામાં નહીં આવે તો મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને કમૅચારીઓ ની સાથે રહી જલદ આંદોલન અને સરકાર નાં ધેરાવાના કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચિમકી સિધ્ધપુરનાં ધારાસભ્યએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી.