ગાંધીનગર : ઘરેથી પત્ની સાથે મોર્નિગ વોકમાં નીકળેલાં PSIને હાર્ટ એટેક આવતાં અકાળે અવસાન.

0
9

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ફરજ બજાવતા વાયરલેસ પી.એસ.આઇ જીતેન્દ્રસિંહ રાણાનું આજે વહેલી સવારે મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકના કારણે અકાળે અવસાન થયું હતું. ગાંધીનગર સેક્ટર-27 એસ.આર.પી ગાર્ડનમાં પત્ની સાથે મોર્નિંગ વોક માટે નીકળેલ પી.એસ.આઇને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અકાળે નાની ઉંમરમાં પી.એસ.આઈનું અવસાન થતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ અમદાવાદ ક્રાઈમ ડી.પી.ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર સિવિલ દોડી આવ્યા હતા.

અધિકારીઓએ પી.એસ.આઈના પાર્થિવ દેહને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અધિકારીઓએ પી.એસ.આઈના પાર્થિવ દેહને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
મૂળ સુરેન્દ્રનગર લીમડીના 45 વર્ષીય જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગરના સેક્ટર-27 પોલીસ લાઈનમાં પત્ની આશાબા તેમજ બે સંતાનો સાથે રહેતા હતા. એ.એસ.આઈમાંથી પ્રમોશન મેળવી પી.એસ.આઇ બનેલા જીતેન્દ્રસિંહ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે વાયરલેસ પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા.

 

આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ જીતેન્દ્રસિંહ અને તેમના પત્ની આશાબા સાથે એસ.આર.પી ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. થોડીવાર ચાલ્યા બાદ જીતેન્દ્રસિંહને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને મોઢામાંથી ફીણ નીકળી ગયું હતું. તે અરસામાં ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા આસપાસનાં પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા.

આજુબાજુના લોકએ તાત્કાલિક ફોન કરીને 108 એમ્બ્યુલન્સને બોલાવી દીધી હતી. જ્યાંથી પી.એસ.આઇ જીતેન્દ્રસિંહ ને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સિવિલમાં ફરજ પરના તબીબે તેઓને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા,જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અમદાવાદ ક્રાઈમ ડી.પી.ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. સિવિલમાં જીતેન્દ્રસિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

સિવિલમાં ઉપસ્થિત અધિકારીઓએ પી.એસ.આઈના પાર્થિવ દેહને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં તેમના પાર્થિવ દેહને લૌકિક ક્રિયા અર્થે વતન લઈ જવામાં આવ્યો હતો. પીએસઆઇના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા જિલ્લા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here