પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ આપ્યું છે. મુખ્યમંત્રીને નાતે માનની સુરક્ષા વ્યવસ્થા કડક તો હતી પરંતુ હવે તેમની સિક્યુરીટી અતિ ટાઈટ થઈ છે. હવે ભગવંત માનની સુરક્ષા વ્યવસ્થા હેઠળ સીઆરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવશે. અહેવાલ અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા કેટેગરી આપવામાં આવી છે. સરહદી રાજ્ય હોવાથી પંજાબમાં ખાલિસ્તાની ગતિવિધિઓ વધી રહી છે તેમજ ગેંગવોર પણ થઈ રહ્યાં છે આથી કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ ભગવંત માનની સુરક્ષા વધારવાનું કેન્દ્ર સરકારને જણાવ્યું હતું જે પછી સરકારે આ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક આદેશ બહાર પાડ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સીઆરપીએફ ટૂંક સમયમાં ભગવંત માનને સુરક્ષા પૂરી પાડવાની કામગીરી સંભાળશે. તેના માટે કુલ 55 શસ્ત્ર જવાનો નક્કી કરવામાં આવ્યા છે. ઝેડ પ્લસ” સુરક્ષા કવચમાંમુખ્ય પ્રધાનના નિવાસસ્થાન અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે.