ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ ના બાપુનગરમાં પોલીસકર્મીઓ માટે પોલીસ સ્ટેશનમાં જ ક્વોરન્ટીન રૂમ, લાઇબ્રેરી અને કેન્ટીનની પણ સુવિધા

0
14

આખો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. વિશ્વમાં કોરોનાના સંક્રમણમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયો છે. ત્યારે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ એનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન પરિસરમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓ માટે ક્વોરન્ટીન રૂમ બનાવાયો છે. સંક્રમિત પોલીસકર્મી અહીં જ ક્વોરન્ટીન થઈ શકશે. ક્વોરન્ટીન રૂમ સાથે કેન્ટીન અને લાઇબ્રેરી પણ છે.

બાપુનગરમાં ક્વોરન્ટીન થવા પોલીસકર્મીઓ માટે ખાસ વ્યવસ્થા

બાપુનગર પોલીસ સ્ટેશન પરિસરમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓ માટે એક ખાસ ક્વોરન્ટીન રૂમ બનાવાયો છે. પોલીસ સ્ટેશનના ઉપરના માળે આ ક્વોરન્ટીન રૂમનું નિર્માણ કરાયું છે. આ ક્વોરન્ટીન રૂમમાં કોરોના સંક્રમણનો ભોગ બનનારા પોલીસકર્મીઓ માટે 3 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ત્યાં પંખા અને રૂમમાં બારીઓ રાખવામાં આવ્યાં છે. ત્યાં કેન્ટીન અને લાઇબ્રેરી પણ બનાવાઈ છે.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI એ. એન. તાવિયાડે ક્વોરન્ટીન રૂમ અંગે માહિતગાર કર્યા
(પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI એ. એન. તાવિયાડે ક્વોરન્ટીન રૂમ અંગે માહિતગાર કર્યા)

 

પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશનમાં જ ક્વોરન્ટીન થશે

બાપુનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એ. એન. તાવિયાડે જણાવ્યું હતું કે અમે સ્ટાફ માટે પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે એક ક્વોરન્ટીન રૂમ બનાવ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ જો કોરોના સંક્રમિત થાય તો તેને અહીં જ ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા છે. પોલીસ સ્ટેશનમાં અમે એક ખાસ કેન્ટીન બનાવી છે, જેમાં શુદ્ધ અને સાત્ત્વિક જમવાનું બને છે. તેની સાથે પોલીસ સ્ટેશનમાં અમે એક લાઇબ્રેરીની શરૂઆત કરી છે, જેમાં મહત્ત્વનાં પુસ્તકો પણ વાંચન માટે મૂકવામાં આવ્યાં છે.

બાપુનગર પોલીસ સ્ટેશનના પહેલા માળે ખાસ ક્વોરન્ટીન રૂમ ઊભો કરાયો છે
(બાપુનગર પોલીસ સ્ટેશનના પહેલા માળે ખાસ ક્વોરન્ટીન રૂમ ઊભો કરાયો છે)