‘ક્વીન’ રડી : ‘થલાઈવી’ના ટ્રેલર લૉન્ચિંગમાં કંગના ભાવુક થઈ રડવા લાગી

0
2

કંગના રનૌતને તેના બેબાક નિવેદનોને કારણે ઓળખવામાં આવે છે. કંગના હંમેશાં દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. કંગનાને ‘દબંગ’ એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે. જોકે, ફિલ્મ ‘થલાઈવી’ના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન કંગનાનાં વ્યક્તિત્વનું અલગ જ પહેલું જોવા મળ્યું હતું. કંગના લૉન્ચિંગ સમયે એકદમ ભાવુક થઈ ગઈ હતી અને તે રડવા લાગી હતી.

સ્ટેજ પર રડવા લાગી
કંગનાનો આજે (23 માર્ચ) 34મો જન્મદિવસ છે. કંગનાના બર્થડે પર તેની આગામી ફિલ્મ ‘થલાઈવી’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ દરમિયાન કંગનાએ ફિલ્મના ડિરેક્ટર વિજયના વખાણ કર્યા હતા. કંગનાએ કહ્યું હતું, ‘હું મારા જીવનમાં આવા વ્યક્તિને ક્યારેય મળી નથી, જેમણે મારી ટેલેન્ટ માટે મને શરમમાં ક્યારેય મૂકી નથી. હું ઈમોશનલ થઈ રહું છું. સામાન્ય રીતે આવું ક્યારેય થતું નથી.’ આટલું કહેતાં જ કંગનાને ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને અશ્રુઓની ધારા વહેવા લાગી હતી.

‘તેમણે ટેલેન્ટ અંગે સારું ફીલ કરાવ્યું’
કંગનાએ આગળ કહ્યું હતું, ‘હું કહેવા માગીશ કે તેઓ એવા વ્યક્તિ છે, જેમણે મને મારી ટેલેન્ટ અંગે સારું ફીલ કરાવ્યું છે. સામાન્ય રીતે તે (ફિલ્મમેકર્સ) આવું સૌહાર્દ પૂર્ણ વર્તન મેલ એક્ટર સાથે કરતાં હોય છે. કોઈ એક્ટ્રેસ સાથે આવું જોવા મળતું નથી. એક ડિરેક્ટર તરીકે હું તેમની પાસેથી શીખી કે એક એક્ટરને કેવી રીતે ટ્રીટ કરવો જોઈએ. કેવી રીતે ક્રિએટિવ પાર્ટનરશિપ બતાવવી જોઈએ.’

કંગનાએ સો.મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો
કંગનાની સ્પીચનો વીડિયો સો.મીડિયામાં યુઝરે શૅર કર્યો હતો. આ વીડિયોને કંગનાએ રી-પોસ્ટ કરીને કહ્યું હતું, ‘હું મારી જાતને બબ્બર શેરની કહું છું, કારણ કે હું ક્યારેય રડતી નથી. હું ક્યારેય કોઈ મને રડાવે તેવો વિશેષાધિકાર આપતી નથી. યાદ નથી કે હું છેલ્લે ક્યારે રડી હતી. જોકે, આજે હું રડી અને રડતી રહી અને મને સારું લાગ્યું.’

પહેલાં પણ વિજયના વખાણ કર્યાં છે

થોડાં દિવસ પહેલાં કંગનાએ સો.મીડિયામાં ઈમોશનલ પોસ્ટ શૅર કરીને ડિરેક્ટર એ એલ વિજયનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, ‘અમારા સાથની આ યાત્રા અંત તરફ આગળ વધી રહી છે. મને પહેલાં ક્યારેય આટલી ગંભીર રીતે અહેસાસ થયો નહોતો, જેવી રીતે હાલ હું ફીલ કરી રહી છું. મને આ અહેસાસ તમને યાદ કરીને થયો. મારે એક કન્ફેશન કરવું છે.’

‘મેં પહેલી વસ્તુ તમારામાં એ જોઈ કે તમે ચા, કૉફી, વાઈન, નોનવેજ તથા પાર્ટીઓ માટે ના પાડી દેતા હતા. તમારી નિકટ આવવું અશક્ય હતું. પછી ધીમે ધીમે મને એ વાતનો અહેસાસ થયો કે તમે ક્યાંય દૂર નથી. જ્યારે એક કલાકાર તરીકે હું સારું પર્ફોર્મન્સ આપું છું તો તમારી આંખમાં ચમક આવી જાય છે. જોકે, અનેક ચઢાવ ઉતાર આવ્યા છે.’

‘મેં તમારી અંદર ક્યારેક ગુસ્સો, અસલામતી કે નિરાશાના સંકેતો જોયા નથી. જે તમને દાયકાઓથી ઓળખે છે, તેમની સાથે વાત કરી. જ્યારે તેમણે તમારા વિશે વાત કરી તો તેમની આંખોમાં એક ચમક હતી. તમે એક વ્યક્તિ નહીં, પરંતુ દેવતા છો. હું દિલના ઊંડાણથી તમારો આભાર માનું છું અને કહેવા માગું છું કે હું તમને યાદ કરું છું. લવ. તમારી કંગના’

વિજયે 100તી વધુ એડ ફિલ્મ બનાવી છે
એ એલ વિજય સક્સેસફૂલ એડ ફિલ્મમેકર છે. તેમણે 100થી વધુ એડ ફિલ્મ બનાવી છે. 2001માં પ્રિયદર્શનના આસિસ્ટન્ટ તરીકે વિજયે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. 2007માં પહેલી ફિલ્મ ‘કિરીડમ’ ડિરેક્ટ કરી હતી. ત્યારબાદ તેમણે ‘ખોસલા કા ઘોસલા’ની તમિળ રીમેક ‘પોઈ સોલ્લા પોરોમ’ ડિરેક્ટ કરી હતી. માત્ર 13 દિવસની અંદર આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. વિજયે 2016માં આવેલી ‘તૂતક તૂતક તૂતિયા’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પ્રભુદેવા, તમન્ના ભાટિયા હતા. આ ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here